• સોમવાર, 13 જુલાઈ, 2026

રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી

હાલ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ખોટ : વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી અકળાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 11: હવામાન વિભાગની નવી આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 162.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 196 મીમી હોવો જોઈતો હતો, આથી હાલ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ખોટ છે.

 દરિયામાં સર્જાયેલી હવામાન સ્થિતિઓને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વધુમાં હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી અકળાવશે.

બીજી બાજુ હવામાન નિષ્ણાતોના અનુસાર જુલાઈના મધ્યથી લઈને ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. 13 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં લોકલ વેધર સિસ્ટમ સક્રિય બનવાની સંભાવના છે. તેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સારી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા ફોરાં સાથે વરસાદ પડવાની સંભાવના છે. જો આ આગાહી સાચી સાબિત થશે તો ચોમાસાનો વધુ એક સારો તબક્કો ગુજરાતમાં જોવા મળી શકે છે.

 

27મી જુલાઈથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ સાથે 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક મજબૂત રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ

શકે છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક