• શનિવાર, 11 જુલાઈ, 2026

વરસાદની અસમાન વહેંચણી : કચ્છમાં તંગી, સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં શ્રીકાર

સૌરાષ્ટ્રમાં 27.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 34 ટકા વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ,તા.10 : મોડે મોડે શરૂ થયેલા ચોમાસામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો થઇ ચૂક્યો છે. અલનીનોના પ્રભાવ હેઠળ ગુજરાતમાં ખંડવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં ફક્ત 24 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લીધે ટકાવારી ઉંચે ગઇ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરેરાશ 31 ટકા છે. જોકે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતની સરેરાશ માત્ર 11 ટકાની છે. કચ્છ જિલ્લામાં તો ફક્ત 1.92 ટકા વરસાદ થયો છે અર્થાત નહી જેવો વરસાદ પડયો છે. જોકે વિસંગતતા એ છેકે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 27.61 ટકા વરસાદ પડી ગયો છે. એવું જ દક્ષિણ ગુજરાતમાં છે જ્યાં 34 ટકા વરસાદ થઇ ગયો છે. એમાં માત્ર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતનો સમાવેશ થાય છે. એ ઉપરાંત તાપી અને પંચમહાલમાં પણ સારો વરસાદ થઇ ગયો છે. જોકે એ સિવાય તમામ જિલ્લામાં વરસાદ ઘણો ઓછો છે. 20 ટકા વરસાદ થયો હોય એવા જિલ્લાની સંખ્યા ઓછી છે. જોકે તેનાથી નીચે વરસાદ હોય એવા જિલ્લા અનેક છે.

કચ્છમાં સૌથી ઓછો 9.60 મીમી વરસાદ થયો છે. રાપરમાં 55 અને ગાંધીધામમાં 22 મીમી સિવાય કોઇ તાલુકો નોંધપાત્ર નથી. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં 43 ટકા વરસાદ થઇ ગયો છે. માંગરોળમાં 100 ટકાથી વધારે વરસાદ છે. ગીર સોમનાથમાં 39 ટકા વરસાદ થયો છે. સુત્રાપાડામાં 61 ટકા થઇ ગયો છે. અમરેલી જિલ્લામાં 43 ટકા વરસાદ થઇ ગયો છે. ત્યાં 77 ટકા રાજુલામાં પડી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં 42 ટકા વરસાદ નવસારીમાં પડી ગયો છે. ત્યાં સૌથી વધારે ચીખલી અને નવસારીમાં 50 ટકા પડી ગયો છે. સુરતમાં 43 ટકા વરસાદ થઇ ગયો છે. એમાં સૌથી વધારે વરસાદ 69 ટકા પલસાણામાં પડયો છે. સુરત, બારડોલી, અંબિકા, કામરેજ વગેરેમાં 50 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાતના 7 તાલુકાઓમાં વરસાદ જ થયો નથી. જ્યારે 28 તાલુકામાં માત્ર બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડયો હોય તેવા તાલુકા 88 છે. પાંચથી દસ ઇંચવાળા જિલ્લા 78 છે. 40 ઇંચથી વધારે વરસાદ પડયો હોય તેવા તાલુકા માત્ર ત્રણ છે. જોકે 11થી 40 ઇંચ સુધીનો વરસાદ પડયો હોય તેવા તાલુકા 64 જેટલા છે.

પંદર દિવસ વરસાદ ન થાય તો વાવણીના ગણિત બદલાશે

ચોમાસું સરેરાશ ગુજરાત માટે પ્રોત્સાહક નથી રહ્યું, ખંડવૃષ્ટિ જેવા વરસાદને લીધે વાવણીમાં મોટો ફરક પડી ગયો છે. અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા છે તે કપાસ અને મગફળીમાં ગાબડાં સૂચવે છે. અલબત્ત આઠ દસ દિવસમાં વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જોકે વરસાદ પડયો જ નથી કે વાવણીલાયક થયો નથી ત્યાં હવે દસેક દિવસમાં વાવણીલાયક વરસાદ ન થાય તો ખેડૂતો કપાસ-મગફળી વાવે છેકે અન્ય પાક તરફ વળે છે તે ખૂબ મહત્વનું બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક