• શનિવાર, 11 જુલાઈ, 2026

ગુજરાતમાં 9 મહાપાલિકાને મુખ્યમંત્રીની ભેટ : પાંચ વર્ષ સુધી જમીન ફ્રી

મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર તથા પોરબંદર મનપાને લાભ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10 :રાજ્યમાં નવી રચાયેલી નડિયાદ, આણંદ, મહેસાણા, વાપી, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નવસારી અને સુરેન્દ્રનગર જેવી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી 5 વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ મહાનગરપાલિકાઓ અગાઉની ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાંથી નવી મહાનગરપાલિકા બનેલી છે અને તેનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ ચાલે છે. આ નવી મહાનગરપાલિકાઓની હદમાં પણ મોટો વિસ્તાર ઉમેરાયો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ કામો ઝડપથી થઈ શકે તે હેતુસર જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી માટે જે 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં (1) નગર સેવા સદન-કચેરી મકાન (2) ફાયર સ્ટેશન (3) સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-એસટીપી (4) વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (5) ભૂગર્ભ ગટર ડ્રેનેજ (6) પાંપિંગ સ્ટેશન (7) વૉટર સપ્લાય પ્રોજેક્ટ-પાણી પુરવઠાના કામો (8) સૉલિડ-લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ (9) સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી-વરસાદી પાણીના નિકાલ માટે (10) બાલવાડી-આંગણવાડી અને (11) ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીના આ દુરોગામી નિર્ણયને પરિણામે નવી મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર બાગ બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું ત્વરાએ નિર્માણ થઈ શકશે તથા શહેરી વિકાસ કામોમાં પણ નવી ગતિ આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક