છ જિંદગીઓનો
ચમત્કારિક બચાવ, કનકેશ્વરી અને જયવંશી બોટના ખલાસીઓ બન્યા દેવદૂત
કમલેશ
જુમાણી
ઉના
તા.15: ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર દરિયાકાંઠેથી મધદરિયે માછીમારી કરવા ગયેલી એક ફાશિંગ
બોટ ડૂબી જવાની દુર્ઘટના પ્રકાશમાં આવી છે. ભારે પવન અને ઉછળતા મોજાને કારણે સર્જાયેલા
આ અકસ્માતમાં લાખોની કિંમતની બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે, અન્ય માછીમારોની
તત્પરતા અને સમયસૂચકતાને પરિણામે બોટ પર સવાર તમામ છ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત
વિગતો અનુસાર, નવાબંદરના મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની માલિકીની ફાશિંગ બોટ ક્રિષ્ના
સાગર (જીજે14 મીમી1932) ગત 13 એપ્રિલના રોજ છ ખલાસીઓ સાથે મધદરિયે માછીમારી માટે રવાના
થઈ હતી. 14મી એપ્રિલની મોડી રાત્રે જ્યારે બોટ કિનારાથી આશરે 10 નોટિકલ માઈલ દૂર હતી,
ત્યારે અચાનક દરિયાઈ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દરિયામાં તેજ પવન ફૂંકાવાને કારણે
ઉછળેલા પ્રચંડ મોજાં બોટ સાથે અથડાતા અંદર પાણી ભરાઈ ગયું હતું અને જોતજોતામાં બોટ
દરિયામાં ડૂબવા લાગી હતી.
બોટ
ડૂબવા લાગતા ખલાસીઓએ ગભરાવાને બદલે અપ્રતિમ હિંમત દાખવી હતી. તેમણે પ્રાથમિક બચાવ સામગ્રી
સાથે તોફાની દરિયામાં ઝંપલાવ્યું હતું. આ કટોકટીના સમયે નજીકમાં જ માછીમારી કરી રહેલી
અન્ય બે બોટો કનકેશ્વરી અને જયવંશી તાત્કાલિક વહારે આવી હતી. પ્રચંડ મોજાં અને અંધારી
રાત્રિ વચ્ચે આ બંને બોટના ચાલકોએ ભારે જહેમત ઉઠાવી દરિયાના પાણીમાં જિંદગી અને મરણ
વચ્ચે સંઘર્ષ કરી રહેલા તમામ છ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભરત જીણા બાંભણીયા,
શાંતી બાબુ મજેઠીયા, શાંતી અરજણ બાંભણીયા, જીવરાજ ધનજી શીયાળ, લાલજી ઉર્ફે લાલો મજેઠીયા,ભરત
ભીમા દમણીયા સહિતના તમામ ખલાસીઓને મોડી રાત્રે હેમખેમ નવાબંદર કાંઠે પરત લાવવામાં આવતા
પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ દુર્ઘટનાને કારણે બોટ માલિકને મોટું આર્થિક
નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં અન્ય માછીમારો દ્વારા ડૂબેલી બોટને ખેંચીને કાંઠે
લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. દરિયાના
ઉછળતા મોજાં અને અનિશ્ચિત હવામાન વચ્ચે માછીમારોની પરસ્પર એકતા અને ભાઈચારો આજે છ જિંદગીઓ
માટે સંજીવની સમાન સાબિત થયા છે.