• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

GGL-સિરામિક ઉદ્યોગના પ્રયાસોથી મોરબીમાં 142 એકમો કાર્યરત

અમદાવાદ, તા. 15: ગુજરાત ગેસ લિમિટેડ  મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ  પૂરો પાડે છે. ત્યારે અત્યાર સુધી મિડલ ઇસ્ટની કટોકટી પૂર્વે મોરબીમાં 377 ગ્રાહક જીજીએલના પીએનજીનો ઉપયોગ કરી રહ્યા હતા. યુદ્ધની સ્થિતિમાં વધતા ભાવો છતાં, ઉદ્યોગોને ટેકો આપવા માટે જીજીએલએ પ્રોપેનને બદલે કુદરતી ગેસનો વધારાનો સપ્લાય પૂરો પાડવા સિરામિક ઉત્પાદકો સાથે સઘન ચર્ચાઓ કરી હતી. એપ્રિલ-2026માં જીજીએલએ સરકારી ધોરણો મુજબ ગેસ વિતરણ ચાલુ રાખ્યું હતું અને મધ્ય-પૂર્વ સિવાયના અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાંથી તત્કાલીન ભાવે ગેસનો પૂરતો જથ્થો મેળવી ઉદ્યોગની જરૂરિયાત પૂરી કરી છે. આમ મોરબીના સિરામિક ઉદ્યોગની ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા ગુજરાત ગેસ લિમિટેડ કટિબદ્ધ છે.

જીજીએલ અને મોરબી સિરામિક એસોસિયેશનના સંયુક્ત પ્રયાસોને લીધે હાલમાં 142 સિરામિક એકમો કાર્યરત થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજીના ભાવ ડોલર 18-20 ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ. જેટલા ઊંચા હોવા છતાં, જીજીએલ ઉદ્યોગને સહયોગ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. જીજીએલ ની ટીમો સતત સિરામિક એસોસિયેશન સાથે સંકલનમાં છે, જેથી ભાવ અને પુરવઠાના પ્રશ્નો ઉકેલી શકાય.

નોંધનીય છે કે વૈશ્વિક કટોકટીને કારણે વધતા ઉત્પાદન ખર્ચ, પ્રોપેન પરના નિયંત્રણો અને ફ્રેટ દરોમાં વધારાને લીધે સિરામિક ઉત્પાદકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી, જેના પરિણામે માર્ચના મધ્યથી અનેક એકમોએ સ્વેચ્છાએ પ્લાન્ટ બંધ કર્યા હતા.

મોરબીમાં લગભગ 415 ગ્રાહક આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી ઓઈલ માર્કાટિંગ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા પ્રોપેન પર નિર્ભર હતા. આ ગ્રાહકો દૈનિક અંદાજે 5.6 એમએમએસસીએમડી (નેચરલ ગેસ સમકક્ષ) ઈંધણનો વપરાશ કરતા હતા, જેનો અર્થ છે કે, કુલ જરૂરિયાતનો આશરે 70% હિસ્સો પ્રોપેન દ્વારા પૂરો થતો હતો.

માર્ચ-2026ની શરૂઆતમાં જીજીએલનો સપ્લાય વધ્યો હતો, પરંતુ યુએસ-ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે એલએનજી પુરવઠામાં વિક્ષેપ પડયો હતો. ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ, જીજીએલએ સપ્લાયમાં કાપ મૂકીને તેને પાછલા છ મહિનાના સરેરાશ વપરાશના 80% જેટલો નિર્ધારિત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક