માર્ચ
અંતની રજા પછી યાર્ડ ખૂલતા કપાસનો ભાવ રૂ. 1800 પ્રતિ મણ પહોંચ્યો: ગાંસડી રૂ. 59 હજારના
મથાળે
રાજકોટ,તા.1
(ફૂલછાબ ન્યૂઝ) : ખેડૂતોના હાથમાંથી કપાસ સરકારી એજન્સી સીસીઆઇના હાથમાં ગયો એ પછી
એકાએક કાળઝાળ તેજી થઇ ગઇ છે. ખેડૂતોએ ટેકાના ભાવમાં કપાસ વેંચી દીધો અને હવે માંડ
10 ટકા સ્ટોક મજબૂત કિસાનો પાસે હશે તેવામાં જોરદાર તેજી સાથે કપાસનો ભાવ એક મણે રૂ.
1800ના ટોપ ઉપર ચાલુ સીઝનમાં પ્રથમ વખત પહોંચ્યો છે. કિસાન વર્ગમાં એ કારણે ભારે નિરાશા
છવાઇ છે. કપાસિયા, ખોળ અને સંકર રૂની ગાંસડી બધી ચીજોના ભાવ આ વર્ષના સૌથી ઉંચા સ્તરે
જઇ પહોંચ્યા છે.
કપાસનો
ભાવ બોટાદમાં રૂ. 1800 થયો હતો. એ ઉપરાંત રાજકોટમાં રૂ. 1700 બોલાયા હતા. માર્ચ અંતની
રજાઓ પછી માર્કેટ યાર્ડ ખૂલતા કપાસનો ભાવ રૂ. 50થી 90 ઉંચકાયા હતા. એક જ દિવસમાં થયેલી
તેજીનો પણ ચાલુ મોસમમાં આ રેકોર્ડ છે. સંકર ગાંસડીના ભાવ ગુજરાતમાં ખાંડીએ રૂ.
58500-59000ની સપાટીએ પહોંચ્યા છે. સપ્તાહમાં રૂ. 2800 અને માર્ચ મહિના દરમિયાન રૂ.
4800ની તેજી થઇ ગઇ છે. કોટન કોર્પોરેશન દ્વારા પણ ટૂંકાગાળામાં ત્રણ હજારનો વધારો કરી
દેવામાં આવ્યો છે. કોટન કોર્પોરેશન રૂ. 59800 સુધીના ભાવથી રૂ વેંચે છે.
રૂ
બજારના બ્રોકરોએ કહ્યું કે, દોઢ બે મહિનાથી યાર્નમાં લોકલ તથા નિકાસની માગ સારી છે.
એ ઉપરાંત ટેક્સટાઇલની પણ લોકલ માગ વધી છે. એ કારણથી ગાંસડી અને યાર્નનો ઉઠાવ વધ્યો
છે. સીસીઆઇનું રૂ ફટાફટ વેચાવા લાગ્યું છે. વધુમાં અમેરિકામાં કોટન વાયદો પણ 65 સેન્ટથી
વધીને 71 સેન્ટ સુધી પહોંચતા સ્થાનિક તેજીમાં વેગ આવ્યો હતો.
તેમણે
કહ્યું કે, ભારતીય બજાર અમેરિકી બજારની અસર હેઠળ વધઘટ કરતી હોય છે એટલે ઘરેલુ બજારમાં
પણ તરત અસર થઇ છે. સીસીઆઇએ ટેકાના ભાવથી ખરીદ કરેલી 105 લાખ ગાંસડીમાંથી હવે 60-62
લાખ ગાંસડી જ બચી હોવાનો અંદાજ છે. મોટાંભાગનો સ્ટોક યાર્નવાળા કે ટેક્સટાઇલવાળાએ ખરીદી
લીધો છે.
તેમણે
કહ્યું કે, ખેડૂતોનો માલ સરકારી એજન્સીમાં ટેકાના ભાવથી ગયો અને એજન્સીએ ભાવ વધારીને
હવે ફટાફટ માલ ક્લિયર કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉ આશરે રૂ. 1200 પછી રૂ. 1200 અને
બુધવારે રૂ. 500નો ભાવ વધારો કરી દેવાયો હોવાનું બ્રોકરોએ જણાવ્યું હતુ. સીસીઆઇએ તેજી
કરી એટલે ખાનગીમાં પણ ગાંસડી મોંઘી થઇ છે.
માર્કેટ
યાર્ડ માર્ચ અંતની રજાને લીધે બંધ હતા એટલે સપ્તાહ પછી કપાસમાં રૂ. 90નો આક્રમક ઉછાળો
આવતા રૂ. 1500-1800 સુધીના ભાવ થયા હતા. કપાસમાં રૂ. 1800નો ભાવ ગઇ સીઝનમાં પણ ખેડૂતોને
ભાગ્યે જ મળ્યો હતો. જોકે હવે તેજીનો ફાયદો માત્ર 10 ટકા ખેડૂતોને માંડ મળી શકે તેમ
છે.
કપાસિયાનો
ભાવ રૂ. 830-885 થઇ ગયો છે. જેમાં મહિનામાં રૂ. 70-80નો વધારો થયો છે જ્યારે કપાસિયા
ખોળમાં રૂ. 125 વધી જતા રૂ. 1950-2050 હતા.