• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

વોલટાઇલ્સના 161 યુનિટમાં વધુ મહિનાનું શટડાઉન

સિરામિક એસો.ના વોલ ટાઈલ્સ ડિવિઝનની બેઠકમાં નિર્ણય: ગેસના ભાવમાં અને વેટમાં રાહતની માગ

મોરબી, તા. 1 : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ગુજરાત ગેસ અસહ્ય ભાવવધારો બુધવારથી લાગુ કર્યો છે જે ઉદ્યોગોને પરવડે તેમ નથી. ભાવવધારાની આડઅસરથી વોલ ટાઇલ્સના 161 યુનિટમાં શટડાઉન લંબાવીને હવે 1 મે સુધી જાહેર કરી દેવાયું છે.  આ ગાળા સુધીમાં ગેસના ભાવમાં રાહત મળે તો જ ઉદ્યોગો ચાલુ થઈ શકશે.

મોરબી સિરામિક એસોસિયેશનના વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ નરેન્દ્ર  સંઘાતે કહ્યું કે સિરામિક એસોસિયેશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના સભ્યોની મળેલી બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલની પરિસ્થિતિમાં અને ગેસના આટલા ઊંચા ભાવ સાથે ફેક્ટરીઓ ચલાવવી શક્ય નથી એટલે હવે તમામ 161 યુનિટ્સ 1મે સુધી ઉત્પાદન બંધ રાખશે.

ફેબ્રુઆરી માસમાં ગુજરાત ગેસમાં આશરે ર0 લાખ ક્યુબિક મીટર જેટલો વપરાશ હતો. 200 યુનિટ ચાલુ હતા. બાકીના પ્રોપેન અને એલપીજી પર નિર્ભર હતા. હાલમાં પ્રોપેન અને એલપીજીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ છે અને લાંબા સમય સુધી મળવાની કોઈ શક્યતા પણ દેખાતી નથી.

બીજી તરફ ગુજરાત ગેસના ભાવ જે પહેલા રૂ. 41.50 હતા, તે હાલ 92 રૂપિયા થઈ ગયા છે. રુપિયાની કથળતી જતી કિંમત અને ટેક્સ સાથે ગણતરી કરીએ તો ઉદ્યોગકારોને આ ગેસ 10પ રૂપિયામાં પડે છે. ઊંચા ભાવના કારણે હાલ માત્ર 13 જેટલા સિરામિક અને બાકીના સેનિટરી મળી 40 જેટલા યુનિટ્સ જ માંડ ચાલી રહ્યા છે.

વર્તમાન યુદ્ધની સ્થિતિ અને મંદીના કારણે સિરામિક ઉદ્યોગને ટૂંકા અને લાંબા ગાળાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ આપણે અખાતી દેશોમાં 25 ટકા નિકાસ કરતા હતા હવેબે વર્ષ સુધી નિકાસની કોઈ શક્યતા દેખાતી નથી. ઉત્પાદન પડતર ખૂબ વધી ગઇ છે જે ચીનને પહોંચી વળી શકે તેમ નથી.

ઉદ્યોગકારો અને શ્રમિકોની હાલત કફોડી ફેક્ટરીઓ બંધ હોવા છતાં ઉદ્યોગકારોને બેંકની લોનના હપ્તા, સોલાર પ્લાન્ટ માટે લીધેલી લોનના હપ્તા અને શ્રમિકોના પ્રશ્નો સતાવી રહ્યા છે. અગાઉ રપ દિવસના શટડાઉન દરમિયાન ડિસ્પેચ અને મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી પ0 ટકા શ્રમિકો ફેક્ટરીએ આવતા હતા પરંતુ હવે મોટાભાગની ફેક્ટરીઓમાં મેન્ટેનન્સ પૂર્ણ થઈ ગયું હોવાથી, આગામી એક મહિનાના શટડાઉનમાં મોટાભાગના શ્રમિકો અને કારીગરો બેરોજગાર બનશે અને તેમને ઘરે બેસવાનો વારો આવશે.

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગુજરાત ગેસ અને ગુજરાત સરકાર સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગકારોની મુખ્ય માગ છે કે સરકાર ગેસના ભાવ ઘટાડે અને વેટમાંમાં રાહત આપે. જો સરકાર દ્વારા આ રાહત આપવામાં આવશે અને ભાવ કાબૂમાં આવશે, તો 1 મેથી ફરીથી પ્રોડક્શન ચાલુ કરવાનો વિચાર કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક