• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

જમીન-મિલકતના વ્યવહારોમાં હવે 30 દિવસની નોટિસમાંથી મુક્તિ

            વિવાદ ન હોય તો તે જ દિવસે પાકી એન્ટ્રી, વિવાદ હોય તો નોટિસ માત્ર 7 દિવસની

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.1 : ગુજરાત સરકારે જમીન અને મિલકતના વ્યવહારોને વધુ સરળ બનાવવા માટે જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-ડીમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ નિર્ણયથી ખેડૂતો અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે. અત્યાર સુધી મિલકતનાં વેચાણમાં 30 દિવસની ફરજિયાત નોટિસ આપવાની હતી, જેનાં કારણે લોકોનાં કામમાં  વિલંબ થતો હતો. હવે સરકારે આ અનિવાર્યતા દૂર કરી છે. જો જમીન કે મિલકત અંગે કોઈ વિવાદ ન હોય, છેલ્લાં એક વર્ષથી કોઈ ફેરફાર નોંધાયો ન હોય અને 7/12માં દર્શાવાયેલા તમામ હકદારોએ દસ્તાવેજમાં સહી કરી હોય, તો તે જ દિવસે વેચાણની નોંધ કરીને પાકી એન્ટ્રી કરવામાં આવશે.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અગાઉ કેટલાંક તત્ત્વો 30 દિવસની નોટિસનો ગેરલાભ લઈને ખોટા વાંધા ઉઠાવીને લોકો પાસેથી પૈસા વસૂલતા હતા. નવા નિર્ણયથી આવી પ્રવૃત્તિઓ પર પણ રોક લાગશે. જ્યાં વિવાદ હોય અથવા તપાસની જરૂર હોય તેવા કિસ્સામાં હવે નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં હકદાર પોતાના પુરાવા રજૂ કરી શકશે. આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંક મકાનો માટે પણ લાગુ પડશે. ઉપરાંત, અદાલત કે ટ્રિબ્યુનલના આદેશોની નોંધ માટે પણ હવે નોટિસની જરૂર રહેશે નહીં. સરકારના આ નિર્ણયથી મિલકતના વ્યવહારોમાં ઝડપ આવશે, કાયદાકીય ઝંઝટો ઘટશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક