એક યુવક ગંભીર હોવાથી રાજકોટ રીફર કરાયો : ઘટના અંગે ફાયર અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી
વેરાવળ, તા.16: વેરાવળ શહેરના
ભીડિયા વિસ્તારમાં ભીડભંજન મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક
7 કિલોના રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠતા મકાનમાં હાજર લોકો દાઝી
ગયા હતા.
ઘટનાની માહિતી મુજબ ગત રાત્રે
અંદાજે 8 વાગ્યાના અરસામાં ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર અચાનક ફાટ્યો હતો.
આ સમયે રસોડામાં હાજર રાકેશ મેઘજીભાઈ પાંજરી (ઉ.વ. 24) તેની માતા રસોઈ બનાવી બહાર નીકળતી હતી, ત્યારે જ
બ્લાસ્ટ થતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળતા ઘરમાં હાજર લોકોને બચવા માટે ભાગદોડ મચી ગઈ
હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં રાકેશ મેઘજીભાઈ
પાંજરી ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યો હતો. હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં
આવ્યો છે. ઉપરાંત નથુભાઈ મેઘજીભાઈ પાંજરી (ઉ.વ. 60), તારાબેન કાલિદાસ ડાલકી (ઉ.વ.
45) તેમજ અન્ય બે વ્યક્તિઓને પણ દાઝવાના ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી
રહી છે.
આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી
સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને પ્રાથમિક રીતે કાબુમાં લેવા
પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે
પહોંચી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાના
કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીના કારણે
બ્લાસ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.