• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ-સંતોમાં નારાજગી

સાધુ-સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે, જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય હશે તો કાર્યવાહી કરાશે : પ્રાંત અધિકારી

મારી પાછળ પાછળ નહીં ફરવાનું, નીકળો : કીર્તિ પટેલે પોલીસ અધિકારીને પણ  ધમકાવ્યા

જૂનાગઢ તા.16: ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ શાહી સ્નાન કરે છે એવા સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. જો કે તેની જાણ તંત્રને થતા તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શાહી સ્નાન સમયે ભવનાથ મંદરિમાં સાધુ-સંતો સિવાય અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી, તો પછી કીર્તિ પટેલ ત્યાં સુધી પહોચી કંઇ રીતે ? અને સ્નાન કર્યા પછી જયારે પોલીસ અધિકારી એને દૂર કરી રહ્યા હતા, ત્યારે પણ તેણે ગેરવર્તન કર્યું છે એનો વીડિયો ફરી રહ્યો છે. આ ઘટનાને 24 કલાક વિત્યા છતા હજુ સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાથી સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી રહી છે.  પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે.

જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો છે. વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે, કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી છે. જોકે, તંત્રને ધ્યાને આવતાં તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદનો કીર્તિ પટેલનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડે છે. કીર્તિ પટેલ ઉશ્કેરાઈ ગઈ હતી અને જાહેરમાં પોલીસ અધિકારીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. વાઇરલ વીડિયોમાં કીર્તિ પટેલ પોલીસને ધમકાવતા કહે છે કે, ‘હું અહીંથી જતી રહીશ, મારી પાછળ પાછળ નહીં ફરવાનું. હું કોઈ આરોપી નથી હો! ચલો નીકળો અહીંથી. માત્ર એટલું જ નહીં, કીર્તિ અત્યંત તોછડી ભાષામાં પોલીસ અધિકારીઓ માટે ’મારી બેટીઓ’ જેવા શબ્દો વાપર્યા હતા અને રોફ જમાવતા કહ્યું હતું કે, ‘જાણે એના બાપનો કુંડ હોય તેમ મારી પાછળ ફરે છે. બાકી રહેતું હોય તો કહો, કાલે ભગવો પહેરી લઉં! સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. કીર્તિના આ કાંડને લઈ જૂનાગઢ એસપીએ તપાસના આદેશ આપ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક