• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ મેળવી રાજકોટનો નિમય પુરોહિત ગુજરાત ટોપર તબીબ દંપતીના પુત્રની અનોખી સિદ્ધિ : મુંબઈ IITમાં એન્જિનિયરિંગ કરવાનું લક્ષ્ય

રાજકોટ, તા. 16 : ભારતભરની એનઆઈટી, આઈઆઈટી અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયારિંગ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા JEE મેઈન્સ  છે. આજરોજ JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટના તબીબ દંપતીનો પુત્ર નિમય પુરોહિત વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ મેળવીને ગુજરાત ટોપર બન્યો છે.

 ધોરણ-12 સાયન્સમાં અ ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયારિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટનો વિદ્યાર્થી નિમય પુરોહિત 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાત ટોપર આવ્યો છે. નિમયના પિતા હર્ષલ પુરોહિત અને માતા દર્શના પુરોહિત, બન્ને ડોક્ટર (ફિઝીયેથેરાપીસ્ટ) છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે. આગળ જતા મુંબઈ IITમાં એન્જિનિયારિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન હોવાનું નિમયે જણાવ્યું હતું.

તેણે ઉમેર્યું હતું કે, ઓગસ્ટ 2025માં સિલેબસ પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારથી જાન્યુઆરી સુધી રિવિઝન ચાલતું હતુ. જેમાં દૈનિક ટેસ્ટની પ્રેક્ટિસ હોવાથી ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે જ્યારે મેથ્સમાં 96 અને કેમેસ્ટ્રીમાં 95 માર્ક્સ આવ્યા છે.  નિમયે માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયારિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતું અને તેથી એન્જિનિયારિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો છે. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયારિંગ કરવાના લક્ષ્ય સાથે આગળના અભ્યાસમાં તે ધ્યાન આપી રહ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક