• મંગળવાર, 21 મે, 2024

સૌરાષ્ટ્રના સાગરકિનારે ઝેરનો કાળો કારોબાર

એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું ધ્યાન સ્વાભાવિક રીતે તેમાં છે. પાડોશી રાજ્યોની સીમા બંધ કરવાને લીધે રાજ્યમાં લવાતા દારૂનું પ્રમાણ ઘટી ગયું છે તેવું વિવિધ માધ્યમોના અહેવાલો કહી રહ્યા છે. બીજી તરફ ગુજરાત કેફી દ્રવ્યો-ડ્રગ્સનું જાણે કેન્દ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો અને તેની હેરાફેરીના કારસા ઝડપાયા તે જોતાં એવું લાગે કે હવે દારૂની હેરાફેરી અસામાજિક તત્વો માટે જૂનો ધંધો થઈ રહ્યો છે. દેશ વિરોધી તત્વો ડર વગર આ કાળો કારોબાર કરી રહ્યા છે. ચૂંટણી આવતા સપ્તાહે છે. દેશના શીર્ષસ્થ નેતાઓની સભાઓ યોજાઈ રહી છે . સુરક્ષા કેટલી સંગીન હોય તે સમજી શકાય તેમ છતાં ડ્રગ માફિયાઓ પોતાનું કામ કરતા હોય તે આશ્ચર્ય સાથે ચિંતાનો વિષય છે.

શહેરોમાં કે અન્યત્ર શરાબનું વેચાણ પણ ન જ થવું જોઈએ પરંતુ આ ચરસ, હેરોઈન કે એમડી ડ્રગ્સ નામે ઓળખાતા પદાર્થો આવી રીતે વેચાય, તેનો જથ્થો ઉતરે અને એકથી બીજા સ્થળે તે પહોંચે તે બાબત અત્યંત ગંભીર છે. તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો સંબંધ છે. માર્ચ 2023માં ઓખાના દરિયામાંથી રૂ. 425 કરોડનું 61 કિલો હેરોઈન જપ્ત થયું હતું. તે સમયે પણ જે અહેવાલો પ્રકાશિત થયા હતા તે અનુસાર 2023 માર્ચ પૂર્વેના અઢાર માસમાં રૂ.2355 કરોડનું 407 કિલો ડ્રગ્સ જપ્ત થયું હતું. આ એવી વસ્તુઓ છે જેની કિંમત કે પ્રમાણ કરતાં પણ તેનો વેપાર અહીં થાય છે અથવા તો વેપારમાં આપણા વિસ્તારનો ઉપયોગ થાય છે તે જ બાબત યોગ્ય નથી. અમદાવાદ એરપોર્ટ કે કચ્છના કોઈ અવાવરું બંદર-સાગરકાંઠેથી ડ્રગ્સ જપ્ત થતું તે અલગ વાત હતી હવે તો આ દૂષણનું પગેરું છેક અમરેલી જેવા મધ્યમકક્ષાના નગર સુધી પહોંચ્યું છે. પોરબંદર પાસેથી ઉપરાઉપરી બે દિવસ, શનિ અને રવિવારે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો સાથે તેમાં સંડોવાયેલા શખસો સામે કાર્યવાહીનો આરંભ થયો છે.

ગાંધીનગર, અમરેલીમાં પણ ડ્રગ્સના ઉત્પાદનની ફેક્ટરી ધમધમતી હોવાનું ખૂલ્યું. સૌરાષ્ટ્રના સમુદ્રીતટ આસપાસના શહેર-ગામોમાંથી ક્યારેક બોટનો તો ક્યારેક માણસોનો ઉપયોગ થાય છે. મોટાભાગે એજન્સીઓની તપાસમાં એવું ખૂલે છે કે આ જથ્થો અહીંથી અન્ય દેશમાં મોકલવાનો હતો. આપણા તટીય શહેર, કોઈ બંદરનો ઉપયોગ થતો પણ અટકાવવો જ જોઈએ પરંતુ સઘન તપાસ એ રીતે થવી જોઈએ કે ક્યાંક અહીં તો તેનો ઉપયોગ ક્યાંય થતો નથી ને?

અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત હવે તો રાજકોટ પણ મોટાં શૈક્ષણિક સંસ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ બહારના વિસ્તારોમાંથી અહીં મોટી સંખ્યામાં આવે છે. ડ્રગ્સના અડ્ડા શહેરોમાં હોવાની વાતો સતત થાય છે. પોલીસનું નાર્કોટિક્સ સેલ કે અન્ય સંબંધિત એજન્સીઓએ આ મુદ્દે સાતત્યપૂર્ણ પ્રયાસ કરવા અનિવાર્ય છે. ભૂતકાળમાં અહીં ડ્રગ્સના કન્સાઈન્મેન્ટ ઉતર્યાં છે. પરંતુ હમણાં તો આ રોજિંદી પ્રવૃત્તિ હોય તેમ બનાવ બને છે. કોસ્ટગાર્ડ કે અન્ય જે એજન્સીઓ આ ઓપરેશન્સ પાર પાડે છે તેમની પીઠ થાબડવી પણ જોઈએ પરંતુ  કેફી પદાર્થોની હેરફેર પર તો ત્વરિત અને કડક નિયંત્રણ આવવું જોઈએ. સામાજિક સંસ્થાઓ પણ તેમાં ભૂમિકા અદા કરી શકે. શંકાસ્પદ માણસો કે હિલચાલ વિશે તેઓ પોલીસને માહિતી આપી શકે.

દોડ કે સાઈકલ સ્પર્ધા યોજવાથી, સૂત્રો પોકારવાથી ડ્રગ્સનું દૂષણ દૂર ન થાય. આવી પ્રવૃત્તિમાં એ લોકો જ ભાગ લે જેઓ તેનાથી દૂર હોય. અત્યંત કડક પગલાં, કાર્યવાહી કરવી પડે, સતત કરવી પડે તો જ એ શક્ય બને.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક