• મંગળવાર, 21 મે, 2024

ઈવીએમના વિવાદ પર પૂર્ણવિરામ

લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે ત્યારે સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી મતદાન માગતી અરજીઓ નકારી દીધી છે. વીવીપેટ સાથે ઈવીએમ પર પડેલા મતોના 100 ટકા ‘ક્રોસ વેરિફિકેશન’ની અરજી પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે વોટિંગ મશીનમાં ચેડાં અંગેની શંકા નિરાધાર છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈવીએમ સલામત છે અને તેના કારણે બૂથ કેપ્ચરિંગ અને બોગસ વોટિંગ દૂર થાય છે. રાજકીય પક્ષોમાં ઈવીએમ મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય છે ત્યારે કોર્ટે કહ્યું છે કે બેલેટ પેપર સિસ્ટમ પર પાછા ફરવાની અરજી ‘િનક્રિય અને અયોગ્ય’ છે.

હવે ઈવીએમને લઈ ચાલી રહેલા વિવાદ-ચર્ચા પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાવવું જોઈએ. આમ તો ઈવીએમથી ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ અનિયમિતતાની આશંકાઓને ચૂંટણી પંચ પહેલેથી જ નકારતું આવ્યું છે. વાસ્તવમાં લોકતંત્રનો અર્થ સદ્ભાવ અને સંસ્થાઓ પર વિશ્વાસ કરવાના પ્રયાસ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ઉમેદવારની ફરિયાદ પર ઈવીએમની તપાસ થઈ શકે છે. ઈવીએમનાં 42 વર્ષના ઇતિહાસમાં આવી જોગવાઈ પહેલીવાર કરવામાં આવી છે. એ બીજા કે ત્રીજા નંબરે આવનારાને કોઈપણ પ્રકારનો શક હોય તો તે સાત દિવસની અંદર ફરિયાદ કરી શકે છે. એ તપાસ પછી સાબિત થશે કે ઈવીએમથી ચેડાં થયાં છે તો ફરિયાદ કરનાર ઉમેદવારનો બધો ખર્ચ પરત કરાશે.

ઈવીએમ ‘હૅક’ કરી શકાય છે અને જોઈએ ત્યાં બટન દબાવી શકાય છે એવો પણ અરજદારોનો સૂર હતો. વાસ્તવમાં દરેક મતદાન યંત્ર સ્વતંત્ર, પરિપૂર્ણ યુનિટ હોય છે તે બેટરી પર ચાલે છે, તે વાયર કે વાયરલેસ કે ઈન્ટરનેટથી ક્યાંય જોડાયેલું નથી હોતું. તે ‘હૅક’ કરી નથી શકાતું. આ યંત્રો તૈયાર કરનારા વૈજ્ઞાનિકોએ અનેક સ્થળોએ તેના પ્રેક્ટિકલ લઈ શંકાનું નિરાકરણ કર્યું છે. ખુદ સુપ્રીમ કોર્ટમાં પણ આ દાખવવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં રસપ્રદ માહિતી એ છે કે ફક્ત અટકળના આધારે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની અનુમતિ કોર્ટ આપી શકે નહીં. અરજદારોને આરસો દાખવ્યો છે. ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ કરતી 40 અરજીઓ કોર્ટ અત્યાર સુધી નકારી ચૂકી છે. જ્યારે અરજદારો ક્યારેય એ પુરવાર કરી શક્યા નથી કે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. એટલું જ નહીં, આપવામાં આવેલા તમામ મતોથી વીવીપેટની રસીદથી 100 ટકા મેળવવાનો અધિકાર પણ પુરવાર કરી શક્યા નથી.

ચૂંટણીમાં પારદર્શિતા વધારવા માટે વીવીપેટનો ઉપયોગ લગભગ 11 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો છે. સમયની સાથે ઈવીએમ ખરું ઊતર્યું છે અને મતદાન ટકાવારીમાં વૃદ્ધિ એ વાત માનવાનું પર્યાપ્ત કારણ છે કે મતદારોએ હાલની પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશને છેલ્લાં 70 વર્ષથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાનો ગર્વ થઈ રહ્યો છે, જેનું શ્રેય મોટા ભાગે ચૂંટણી પંચ અને જનતા દ્વારા તેના પર દાખવવામાં આવેલો વિશ્વાસ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક