• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સત્તાનો શંખનાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ગયું છે. બુધવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરીને લાંબા સમયથી થતી અટકળ અને વહેતી થયેલી ધારણાઓ પર પૂર્ણ વિરામ મુક્યું છે તેની સાથે જ રાજ્યના રાજકારણમાં ચેતનાનો સંચાર થયો છે. વિવિધ રાજકીય પક્ષોએ આ ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓનો ધમધમાટ ઘણા સમયથી શરૂ કરી દીધો છે પરંતુ હવે સત્તાવાર રીતે પ્રચાર જોરશોરથી શરૂ થશે. આ માસના અંતે જ 26મી એપ્રિલે ચૂંટણી યોજાશે, 28મીએ મત ગણતરી થશે અને 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવસત્તાસ્થાપના થશે.  ગુજરાતમાં આખો એપ્રિલ મહિનો વાતાવરણની ગરમી સાથે રાજકીય ગરમાવાનો પણ બની રહેશે. સામાન્ય માણસોની સ્થાનિક સમસ્યાઓ કે, વિકાસલક્ષી બાબતોનો આધાર જેના પર છે તેવી લોકલ ઓથોરિટી ગણાતી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે. મુખ્યત્વે તો ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો જ અહીં છે પરંતુ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતે કશું પ્રાપ્ત કર્યા વગર પણ કોંગ્રેસને અને થોડું ભાજપને નુક્સાન કર્યું હતું. સ્થાનિક પ્રશ્નો આ ચૂંટણીમાં મુખ્ય હોય છે તે જોતા પ્રચાર પણ તે પ્રકારે થશે પરંતુ ગુજરાતમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા સ્થાને રહેલા ભાજપ માટે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કામો પ્રચાર માટે ઉપયોગી થઈ પડશે. પાંચ વર્ષ દરમિયાન બનેલી સ્થાનિક ઘટનાઓ અને પ્રશ્નોની અસર પણ નહીં જ વર્તાય તેવું કહી શકાય નહીં.

રાજકોટ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં બનેલી કુદરતી અને માનવસર્જિત હોનારતો પાંચ વર્ષ દરમિયાન ચર્ચામાં હતી જેનો સીધો સંબંધ સ્થાનિક કક્ષાએ રહ્યો હતો. વરસાદ, વાવાઝોડા સમયે જિલ્લા, તાલુકા સત્તાઓની કસોટી થઈ હતી. જો કે, ચૂંટણી તો છેલ્લા કેટલાક સમયને ધ્યાને રાખીને લડાતી હોય છે. નેતાઓ પણ એ સમજે છે કે સામાન્ય માણસોની યાદશક્તિ ઓછી હોય છે. એપ્રિલ મહિનાની 26મી તારીખે યોજાનારી ચૂંટણી એટલા માટે અગત્યની છે કે, 2027ના અંતે એટલે કે પોણા બે વર્ષ પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 156 બેઠકો સાથે સત્તામાં બેઠેલા ભાજપ માટે એપ્રિલની આ ચૂંટણીઓ સેમીફાઈનલ છે એવું જ વિપક્ષો માટે પણ કહી શકાય. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 84 નગરપાલિકાની 2624 બેઠક, 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક અને 260 તાલુકા પંચાયતની 5234 બેઠક પર આ ચૂંટણી યોજાવાની છે. 15 મહાનગરપાલિકામાંથી 6 મહાનગરપાલિકામાં પદાધિકારીનું રોટેશન બદલાયું છે. જો કે, આ બધી વહીવટી પ્રક્રિયાઓ છે. આખરે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સત્તા સંગ્રામ શરૂ થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક