• બુધવાર, 01 એપ્રિલ, 2026

પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ

ઈરાન-અમેરિકા એકબીજાને ભરી પીવા મરણિયા બન્યા છે. યુદ્ધ વિરામના કોઈ સંકેત દૂર દૂર દેખાતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક પરિસ્થિતિ પડકારરૂપ છે તે સ્પષ્ટ છે. ભવિષ્યમાં મંદી અને મોંઘવારી વ્યાપે તેવી શક્યતા જરા પણ નકારી શકાતી નથી પરંતુ હજી જ્યાં આવી સ્થિતિ નથી આવી ત્યાં પણ કેટલાક તત્વોએ ગેરલાભ લેવાનું શરૂ કર્યું છે. રાંધણ ગેસની અછત છે તેવું કારણ આપીને સામાન્ય માણસોના ખાન-પાનના ભાવ વધારી દેવાયા છે. એક તરફ સરકાર લોકોને સતત સધિયારો આપી રહી છે બીજી બાજુ આવા તત્વો ડર ફેલાવી રહ્યા છે. દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે. યુદ્ધની વૈશ્વિક અસરોના ભાગરૂપે ઈંધણ અને ગેસની અછત વર્તાવાનું શરૂ થયું છે પરંતુ તેની અસર હજી સુધી એટલી તીવ્ર નથી કે, વેપારીઓએ ભાવ વધારવા પડે. સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારાની અસર તેમ છતાં દેખાઈ રહી છે. ખાસ તો જે સ્થળે જવાની લોકોમાં વધારે ઘેલછા છે તેવા હાઈવે, ફૂડ પાર્લર કે હોટલોમાં ગાંઠીયા સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. શહેરી વિસ્તારમાં કેટલાક ડાઈનીંગ હોલમાં આ સ્થિતિ છે. કેટલીક હોટલોમાં મેનુમાં લખેલા ભાવ કરતા બીલમાં વસુલાતી રકમ વધારે છે કારણ એવું આપવામાં આવે છે કે, કોમર્શિયલ ગેસ ઉપલબ્ધ થતો નથી. વેપારીઓ વધારે પૈસા દઈને ગેસ ખરીદે છે.

અહીં બે મુદ્દા છે એક તો જો આ રીતે ગેસ ખરીદાતો હોય તો પણ તે અનધિકૃત છે તેની સામે પગલા જરૂરી છે અને જો ગેસનો પુરવઠો પુરતો પ્રાપ્ત ન હોય તો તે પણ ગંભીર સ્થિતિ છે. રાજ્યનું પ્રશાસન વારંવાર કહે છે કે, ઈંધણ અને ગેસની કોઈ તંગી નથી. જો ખરેખર એવું હોય તો ગેસના સિલિન્ડર પ્રાપ્ત થવા જોઈએ એ બહુ સમજી શકાય એવી વાત છે કે, હોટલો કે કેટરીંગના વ્યવસાયમાં મંજુર કરતા વધારે ગેસ સિલિન્ડર ખપી જતા હોય જેની કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોય તેવી વાત એ છે કે, આ રીતે મળતા સિલિન્ડરના ભાવ વધ્યા છે. હજી ગેસની કોઈ ગંભીર અછત નથી ત્યારથી ફરસાણના ભાવમાં વધારો થયો છે તો સામે કેટરર્સના નાના ધંધાર્થીઓ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. નીતિમત્તા અને જરૂરત વચ્ચે દ્વંદ્વ છે. સ્થિતિ ગંભીર છે પરંતુ સામાન્ય માણસ ભીંસાય નહીં તે જોવું અનિવાર્ય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક