‘ભારત
હવે નક્સલમુક્ત દેશ છે...’ વાંચવું-સાંભળવું ગમે તેવું આ વિધાન છે. 1960ના દાયકાના
ઉત્તરાર્ધથી દેશના કેટલાક હિસ્સાને અને સરકાર-સેનાને જંપવા ન દેનાર આ પ્રવૃત્તિનો અંત
આવ્યો હોવાનું કેન્દ્ર સરકાર કહી રહી છે. માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નકસલવાદ નાબૂદ
થશે તેવો નિર્ધાર નરેન્દ્ર મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. સામાન્ય રીતે
કોઈ યુદ્ધ કે કોઈ શત્ર કાર્યવાહી શરૂ અને પૂર્ણ થવાની તારીખ હોય, દેશના ઈતિહાસમાં પ્રથમ
વાર નકસલવાદના ખાતમાની અંતિમ તારીખ અપાઈ હતી. બે દિવસ પૂર્વે સંસદના લોકસભા ગૃહમાં
ગૃહમંત્રીએ કહ્યું કે આપણે હવે નક્સલમુક્ત છીએ. ઈન્દિરાજીએ 1971માં રાષ્ટ્રપતિની ચૂંટણી
સમયે ડાબેરી વિચારને પ્રોત્સાહન આપ્યું તેને લીધે નકસલવિચારને વેગ મળ્યો હોવાનો આક્ષેપ
ગૃહમંત્રીએ ગૃહમાં પણ કર્યો.
દેશના
12 રાજ્યો,126 જિલ્લા નકસલવાદથી ત્રસ્ત હતા અને આ ગાળો ટૂંકો નહોતો. સમય જતાં તો આ
આગ પીપલ્સ વોર ગ્રુપના માધ્યમથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા, ઝારખંડ, બિહાર,
મધ્યપ્રદેશ, આંધ્ર, તેલંગણ સુધી ફેલાઈ ગઈ. આ વિસ્તારો રેડ કોરિડોર બની ગયા. વર્ષો સુધી
12 કરોડથી વધારે લોકોએ જીવન ગરીબીમાં કાઢ્યું , બન્ને તરફ થઈને 20000 યુવાનો મૃત્યુ
પામ્યા તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ ગૃહમંત્રીએ કોંગ્રેસના સદસ્યો બેઠા હતા તે
તરફ જોઈને કર્યો. મોદી સરકારના 12 વર્ષ ભારત માટે શુભ છે તેવું કહીને ગૃહમંત્રીએ કહ્યું
કે હવે ડાબેરી ઉગ્રવાદ પણ ખતમ થવામાં છે. ભોળા આદિવાસીઓમાં વૈચારિક ઝેર ફેલાવવાનું
કામ આ લોકોએ કર્યું હતું. હવે જે હથિયાર ઉઠાવશે તે ગોળી ખાશે.
2014થી
કેન્દ્ર સરકારે નકસલવાદને નિર્મૂળ કરવા રીતસર દંડો ઊગામ્યો, અમિત શાહે તેની વિગતો પણ
ગૃહમાં પેશ કરી. દંડકારણ્યમાં નકસલીઓનું મુખ્ય જૂથ સમાપ્ત થઈ ગયું. ગૃહમંત્રીએ વિભિન્ન
સુરક્ષાદળોનો
પણ ઉલ્લેખ કર્યો. સ્વતંત્ર ભારત માટે આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. 1967માં બંગાળના દાર્જિલિંગ
જિલ્લાના નકસલવાદી ગામમાં જમીનદારોની દાદાગીરી અને દમનની સામે આદિવાસીઓ-ખેડૂતોએ વિદ્રોહ
કર્યો અને તે વિચાર આખા પશ્ચિમ બંગાળમાં ફેલાયો. નકસલવાદ કે કાશ્મિરને હજીય કનડતો આતંકવાદ,
તેનો ક્યારેય પક્ષ લઈ શકાય નહીં, તેને ક્યારેય યથાર્થ ગણાવી શકાય નહીં પરંતુ જો તેને
સંપૂર્ણ નિર્મૂળ કરવો હોય તો તેના કારણોમાં ઉતરવું પડે. નકસલવાદના મૂળમાં આર્થિક અસમાનતા,
જમીનનો માલિકી હક્ક, સામાજિક અન્યાય જેવી બાબતો પડેલી છે. પાયાના વિકાસનો અભાવ, રાજનૈતિક
અલિપ્તતા જેવા અનેક કારણ હતાં જેને લીધે નકસલવાદ શરૂ થયો અને પનપ્યો. અગાઉ 2009-2010માં
પણ નક્સલવાદ વિરુદ્ધ અભિયાન ચાલ્યું, ઓપરેશન ગ્રીન હન્ટના નામે કાર્યવાહી થઈ હતી. કેન્દ્રીય
બળો સતત નકસલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે રહ્યા. સરકારે આત્મસમર્પણનો વિકલ્પ પણ
આ વિઘાતક તત્વોને આપ્યો પરંતુ તેમાં જે લોકો સક્રિય હતા તેઓ બધા જ આ પ્રેમની ભાષા સમજે
તેવું નહોતું. કોઈ પણ સમસ્યાનો ઉદ્ભવ કદાચ
આપણા નિયંત્રણની બહાર હોય પરંતુ તે વકરે નહીં, વિસ્તરે નહીં તે તો જોવું જોઈએ. જે થયું
તે પુન: ન થાય, સમાજનો કોઈ એક વર્ગ શોષિત હોય અને આવી પ્રવૃત્તિમાં જોડાય તો પછી તેને
મુખ્યપ્રવાહમાં વાળવાનું કામ પણ અગત્યનું છે. ત્યાં ફક્ત સરકાર નહીં સામાજિક ભૂમિકા
પણ અગત્યની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે નકસલી વિસ્તારો માટે વિશેષ લક્ષ્ય નક્કી
કર્યુ અને તેનો અમલ કર્યો. હવે તમામ સ્તરે એ જ જોવાનું છે કે નકસલવાદના કારણો હતાં
તે ઉપસ્થિત ન થાય, ગરીબી, આર્થિક અસમાનતા જેવા પરિબળો સદંતર નાબૂદ થઈ જવા જોઈએ. સામાજિક
ઉત્કર્ષ, જાતિય ભેદભાવથી મુક્તિ જેવા તમામ પાસાઓને ધ્યાને રાખવા પડશે. નકસલવાદ હવે
નથી તે સિદ્ધિ છે, નકસલવાદ ફરી ઉત્પન્ન ન થાય તે સૌની સહિયારી નિસબત છે.