સાળંગપુર દર્શન કરી પરત ફરતી વેળાએ પશુ આડે ઉતરતા તેને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ
તાલાલા
ગીર, તા.9 : જસદણ નજીક વીંછિયા રોડ પર કાર અકસ્માતમાં તાલાલાના નાયબ મામલતદારનું મૃત્યુ
નીપજ્યું છે. વતનમાં બદલી થતા નાયબ મામલતદાર સાળંગપુર માનતા પૂરી કરી પરત ફરતા હતા
ત્યારે કાર આડે પશુ ઉતરતા તેને બચાવવા જતા કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત
સર્જાયો હતો.
ગીર
સોમનાથ જિલ્લાની કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ ડયૂટી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ
બજાવતા અને તાલાલા ગીરમાં નરાસિંહ ટેકરી વિસ્તારમાં બિમલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા
સંજયભાઈ મોહનભાઈ વડાલિયા (ઉં.વ.32) શનિવારે સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે ગયા હતા.
માનતા પૂર્ણ કરી રાત્રે તાલાલા પરત ફરતી વખતે જસદણ નજીક પહોંચતાં અચાનક પશુ આડું ઉતરતા
પશુને બચાવવા જતાં કાર બેકાબૂ બની ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી
ગયો હતો. આ અકસ્માતમાં સંજયભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ કરુણ ઘટનાના સમાચારથી
ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર તથા તાલાલા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
પ્રાથમિક
તપાસમાં ડાંગ જિલ્લામાં ફરજમાં જોડાયા બાદ સંજયભાઈએ વતનમાં બદલી થશે તો સાળંગપુર દર્શનાથે
જવાની માનતા રાખી હતી. થોડા સમય પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં બદલી થતાં સંજયભાઈ સાળંગપુર
દર્શન કરવા ગયા હતા. માનતા પૂર્ણ કરી તાલાલા પરત ફરતી વખતે મોડીરાત્રે ગમખ્વાર અકસ્માતમાં
કાળનો ભેટો થઈ ગયો હતો.
રક્ષાબંધનના
પર્વ પહેલાં જ પાંચ બહેનના એકના એક નાના ભાઈના અકાળે અવસાનથી પરિવાર ઉપર દુ:ખનો પહાડ
તૂટી પડયો છે. અગાઉ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે પાંચેય બહેને નાના ભાઈને પણ ગુમાવતા
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.