• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ઉજ્જૈન હાઇ વે પર અકસ્માતમાં વડોદરાના છ યુવાનનાં મૃત્યુ

રોંગ સાઇડથી આવતો ટ્રક ઇકો વાન સાથે અથડાયો : મહાકાલના દર્શન કરીને પરત આવતા યુવાનો સાથે ગમખ્વાર દુર્ઘટના : મૃતદેહો કારમાં ફસાઈ જતા કાચ તોડીને બહાર કાઢવા પડયા

રાજકોટ, ભોપાલ, તા. 9 : ઉજ્જૈન હાઇ વે રક્તરંજિત થયો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક સ્થળે રોંગ સાઇડથી આવતો ટ્રક ઈકો વાન સાથે અથડાતા કારમાં સવાર વડોદરાના છ-છ યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ  મૃતદેહો વાનમાં ફસાઈ ગયા હતા, જેને કાચ તોડીને બહાર કાઢવા પડયા હતા. વડોદરાના રહેવાસી આ યુવાનો મિત્રો હતા અને ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

આ અકસ્માત રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે ધાર જિલ્લાના બદનાવર પંથકના પંચકવાસ ગામ પાસે ઉજ્જૈન ફોરલેન પર થયો હતો. ઈકો વાનની હાલત એવી હતી કે તેની બોડી કાપીને બે મૃતદેહ બહાર કાઢવા પડયા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. ઘટના બાદ પોલીસ લગભગ 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કારની બારીના કાચ તોડીને અંદરથી મૃતદેહોને બહાર કાઢયા હતા. ઘટનાસ્થળે પોલીસ ટીમ અને પ્રાંત અધિકારી પ્રિયંકા મિમરોદ પણ પહોંચી ગયા હતા.

જોકે પ્રત્યક્ષદર્શીઓના મતે અકસ્માતમાં છનાં મૃત્યુ થયાં હતાં અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા વાનમાં સવાર યુવકોની સંખ્યા સહિતના મામલે તપાસ ચલાવવામા આવી રહી છે.

અકસ્માત બાદ ફોરલેન પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો, બાદમાં પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને ગુજરાતમાં જાણ કરી દીધી હતી. આ સાથે જ વડોદરામાં મૃતકોના પરિવારના ઘરે કલ્પાંત મચી ગયો હતો. મૃતકોનું પંચનામું બનાવીને તેમને મધ્યપ્રદેશના બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક