• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

એર ઇન્ડિયાનાં વિમાનમાં ટર્બ્યુલન્સ : નશામાં હતો પાયલટ

ફુકેતથી દિલ્હી આવતી ફ્લાઇટની ઘટનામાં ચોંકાવતો ખુલાસો

નવીદિલ્હી, તા.9 : ફુકેતથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાનાં વિમાનમાં તીવ્ર ટર્બ્યુલન્સ(વિમાનમાં જોરદાર ઝટકો)ની ઘટનાની તપાસમાં ચોંકાવતો ખુલાસો થયો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ફ્લાઇટના પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે, ઘટના વખતે તે નશામાં હતો. જેને પગલે તેને ફરજમાંથી હટાવી પણ દેવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર યાત્રા દરમિયાન વિમાનની ઊંચાઈમાં ઓંચિતા તીવ્ર ઘટાડો થઈ જવાની શ્વાસ અદ્ધર કરી દેતી ઘટનાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાયલટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જો કે એર ઇન્ડિયા તરફથી હજી સુધી પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યાને પુષ્ટિ આપવામાં નથી આવી. એરલાઇન દ્વારા કહેવામાં આવ્યું છે કે, હજી સુધી ટેસ્ટનો રિપોર્ટ તેની પાસે આવ્યો ન હોવાથી આ બારામાં કોઈ ટિપ્પણી આપી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, 14પ મુસાફરો સાથે એરબસ એ-320 ફુકેતથી દિલ્હી આવી રહી હતી ત્યારે ઓરિસ્સા પાસે વિમાનમાં અચાનક તેજ ઝટકા લાગ્યા હતા અને સપાટાભેર વિમાન પોતાની ઊંચાઈએથી આશરે 300 મીટર નીચે સરકી ગયું હતું. દિલ્હી પહોંચ્યા બાદ વિમાનનાં 13 યાત્રી અને 4 ક્રૂ મેમ્બરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક