• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

દિલ્હી સરકાર 22 હજાર કરોડના ચોખા કૌભાંડનો આરોપ : તપાસની માંગ

આપ નેતા સૌરભ ભારદ્વાજનો દાવો : મુખ્યમંત્રી-નાગરિક પુરવઠા મંત્રીની ભૂમિકા સામે કર્યા સવાલ

નવી દિલ્હી, તા. 9 : આમ આદમી પાર્ટી (આપ) એ રવિવારે દિલ્હી સરકાર પર રાશન વિતરણમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ગરીબો, સ્થળાંતરિત મજૂરો અને દૈનિક વેતન કામદારો માટે સબસિડીવાળા દરે પૂરા પાડવામાં આવતા ચોખાને એક ખાનગી કંપનીને ઊંચા ભાવે વેચવાની યોજના ઘડવામાં આવી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે આ યોજના હેઠળ, દર અઠવાડિયે આશરે 31,000 મેટ્રિક ટન ચોખા ઉપાડવાના હતા, જેના પરિણામે ત્રણ વર્ષમાં આશરે રૂા. 22,000 કરોડના ચોખાનું વેચાણ થવાનું હતું અને અંદાજે રૂા. 11,000 કરોડનું કમિશન મળવાનું હતું. આ મામલો ફક્ત એક અધિકારીની ભૂલનો નથી; તેની સંપૂર્ણ તપાસ અને જવાબદારી થવી જોઈએ. તેમણે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પુરવઠા મંત્રી મનજિન્દરાસિંહ સિરસાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું કે આ યોજના હેઠળ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોદામોમાંથી આશરે 31,000 મેટ્રિક ટન ચોખા લેવાના હતા. આ ચોખા કેન્દ્ર સરકારની સબસિડીવાળી યોજના હેઠળ ગરીબોમાં વહેંચવાના હતા. ગરીબોને ચોખા વહેંચવાને બદલે, તેને ખાનગી કંપનીને  લગભગ બમણા ભાવે વેચવાની યોજના હતી. ચોખા આશરે 23.20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હોત, પરંતુ તે ખાનગી વિક્રેતાને આશરે 46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક