• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ફીફા વિશ્વકપ દરમિયાન મેસી ઉપર હતું જોખમ !

એફબીઆઇ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સુરક્ષા દસ્તાવેજોમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી, તા. 8 : 2026 ફીફા વિશ્વકપ દરમિયાન ફૂટબોલ દિગ્ગજોની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એફબીઆઇ અને આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સીઓના એક ડોઝિયર અનુસાર આર્જેન્ટીનાના ફૂટબોલર લિયોનેલ મેસી ટૂર્નામેન્ટ દરમિયાન સુરક્ષા જોખમ અને આતંકી ધમકીઓના સૌથી મોટા નિશાને હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેસીને સ્ટેડિયમની અંદર વિસ્ફોટકો અને હથિયારોથી નિશાન બનાવવાની ગંભીર સાજિશો રચવામાં આવી હતી. જેના કારણે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ રહેવું પડયું હતું.

સુરક્ષા દસ્તાવેજો અનુસાર ડલાસમાં આર્જેન્ટીના અને જોર્ડન વચ્ચેના મુકાબલા દરમિયાન એક વ્યક્તિએ ડલાસ એરપોર્ટે ફોન કરીને કહ્યું હતું કે, પોતે બે સાથી સાથે બોમ્બ અને રાઇફલ લઈને સ્ટેડિયમ તરફ વધી રહ્યો છે. આ કોલમાં પોલીસની સાથે મેસીને નિશાન બનાવવાની વાત કરી હતી તેમજ એટલાન્ટામાં ઈજીપ્ત સામે મેચ પહેલા સોશિયલ મીડિયા ઉપર એક યુઝરે શરીર ઉપર બોમ્બ બાંધીને સ્ટેડિયમમાં મેસી ઉપર આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી હતી. આ ગંભીર ધમકીઓનાં કારણે સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી.

દસ્તાવેજો અનુસાર માત્ર મેસી જ નહીં પોર્ટુગલના સ્ટાર કેપ્ટન ક્રિસ્ટિયાન રોનાલ્ડો અને મેચ રેફરી સંબંધિત ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક