ગુજરાત યુનિ.માં ઈન્ટિરીયર ડીઝાઈનીંગનો અભ્યાસ કરે છે છાત્રા
મૂળ ઉત્તરપ્રદેશનો સિક્યુરીટી
ગાર્ડ ચાર-પાંચ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો, એજન્સીએ તેની પુરી ખરાઈ પણ ન કરી હોવાની
ચર્ચા
જઘન્ય અપરાધના આરોપીને પોલીસે
ગણતરીના કલાકોમાં દબોચી લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
તા.9: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી
સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ (પીજી)માં રહેતી યુવતી પર રાત્રે સિક્યુરિટી ગાર્ડ દ્વારા વાયરથી
ગળું દબાવીને દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. યુવતી રાત્રે સોસાયટીની
અગાસી પર ચાલવા ગઈ હતી ત્યારે પાછળથી ત્યાં પહોંચેલા સિક્યુરિટી ગાર્ડે તેની પર હુમલો
કરીને દુષ્કર્મ આચર્યું હતું. સિક્યોરિટી ગાર્ડને ચાર-પાંચ દિવસ અગાઉ જ નોકરી પર રાખવામાં
આવ્યો હતો અને એજન્સી દ્વારા તેનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નહીં હોવાની ચોંકાવનારી
વિગતો સામે આવી છે.
આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી ગુજરાત યુનિવર્સિટીમાં
ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે. તે રાત્રે અગાસી પર ચાલવા માટે ગઈ હતી ત્યારે
સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ ધર્માસિંહ રામશંકરાસિંહ તેની પાછળ ત્યાં પહોંચ્યો હતો.
તેણે અગાસી અંદરથી બંધ કરી દીધી હતી અને યુવતી પાસે બિભત્સ માંગણી કરી હતી જો કે યુવતીએ
ઈન્કાર કરતાં સિક્યોરિટી ગાર્ડે અગાસી પર રહેલા વાયર વડે તેનું ગળું દબાવી તેના પર
દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપી યુવતીનો ફોન લઈને તેને બહારથી લોક કરી તે નાસી
છૂટ્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને હેબતપુર નજીકથી ઝડપી લીધે હતો. યુવતીએ બૂમાબૂમ કરતા નીચે જ રહેતા પાડોશીઓ અગાસી
પર દોડી આવ્યા હતા અને તેણે દરવાજો ખોલી યુવતીને હકીકત પૂછતાં આ ઘટનાની જાણ થઈ હતી.
બાદમાં આનંદનગર પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો.
આરોપીની ઓળખ ધરમાસિંહ રામશંકરાસિંહ
તરીકે થઈ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું
છે. પોલીસના જણાવ્યા અનુસાર તે છેલ્લા ચાર વર્ષથી અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓ સાથે
કામ કરતો હતો અને ચાર-પાંચ દિવસ પહેલાં જ છેલ્લી એજન્સી મારફતે આ સોસાયટીમાં સિક્યુરિટી
ગાર્ડ તરીકે ફરજ પર આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ બાદ પૂછપરછ અને તબીબી કાર્યવાહી શરૂ
કરી છે.
સેક્ટર-1ના જેસીપીએ આપેલી માહિતી
પ્રમાણે ઘટના રાત્રિના સમયે બની હતી. યુવતી ટેરેસ પર ગઈ હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ
પણ ત્યાં પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ટેરેસનો દરવાજો બંધ કરી યુવતીનું
ગળું દબાવ્યું અને ત્યાર બાદ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર
કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. એફએસએલની ટીમને બોલાવીને સ્થળ પરથી જરૂરી પુરાવા લેવામાં
આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મેડિકલ તપાસ અને ડીએનએ સહિતના વૈજ્ઞાનિક પુરાવાની
પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના
બાદ ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
તેની મેડિકલ તપાસ બાદ અન્ય કાયદાકીય કાર્યવાહી અને પંચનામાની પ્રક્રિયા હાથ ધરવામાં
આવશે. આ ઘટનાથી ફરી એક વખત યુવતીઓની સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.