• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ લીધો

સર્જન પિતાના એકના એક તબીબ પુત્રના આપઘાત પાછળ કામનું ભારણ, રેગિંગ કે અન્ય કારણ ?

 આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ઘટનાની તપાસના આદેશ આપ્યા

રાજકોટ, તા.9 : સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના મૃત્યુની ઘટનાથી હોસ્પિટલ કેમ્પસમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા 30 વર્ષીય ડૉ.હર્ષ પંડયાનો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો હતો.

મુળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હર્ષ પંડયા સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ પોતાની નિયમિત ફરજ પર ન પહોંચતાં વિભાગના સિનિયર તબીબે ફોન કર્યો હતો. જોકે ફોન બંધ આવતાં સાથી રેસિડેન્ટ ડોક્ટરને હોસ્ટેલના રૂમમાં જઈ તપાસ કરવા જણાવાયું હતું. રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સાથીઓએ અનેક વખત અવાજ આપ્યો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ સિક્યુરિટી સ્ટાફની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર હર્ષ પંડયા મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સર્જન પિતાના એકના એક તબીબ પુત્રના આપઘાતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરો તથા સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલના ડીન ડૉ.જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઘટનાની હકીકત જાણવા પ્રાથમિક તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સાથી ડોક્ટરોના જણાવ્યા મુજબ હર્ષ સ્વભાવે શાંત હતા. વ્યક્તિગત કે પારિવારિક તણાવ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, જોકે વિભાગીય કામકાજના ભારણ અંગે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક