• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

લાલ કિલ્લા પર અભેદ સુરક્ષા કવચ

સ્વતંત્રતા દિવસ માટે તૈયારીઓ, 20 હજાર સુરક્ષા કર્મી, એક હજારથી વધુ સીસીટીવી, એન્ટિ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હી, તા. 9 : દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહ માટે સુરક્ષા માટે અભેદ વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. સમારોહ વખતે વિવિધ એજન્સીના 20 હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાત કરાશે. સુરક્ષા તંત્રને માનવબળની તેમજ તાંત્રિક તૈનાતી એમ બે ભાગમાં મુકાયું છે, તેવું નાયબ પોલીસ કમિશનર રાજા બાંઠિયાએ જણાવ્યું હતું. કોઇપણ સંભવિત આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમને પણ ઉતારાશે. ક્વિક રિએક્શન ટીમો રણનીતિક સ્થળો તેમજ વોચ ટાવર પર તૈનાત કરાશે.

એનએસજીની ટીમો, અર્ધલશ્કરી દળોના જવાનો, સ્નાઇપર, હિટ ટીમો પણ લાલ કિલ્લા પર તૈનાત કરાશે.

યાંત્રિક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લાલ કિલ્લા પરિસર અને આસપાસના વિસ્તારોમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. પ્રશિક્ષિત કર્મીઓ કેમેરાઓની લાઇવ ફિડ પર નજર રાખશે. જમીની સ્તર પર તરત કાર્યવાહી કરવા સક્ષમ ટીમો માટે પણ ખાસ સ્થાન રખાયાં છે. ડ્રોનના સંભવિત ખતરા સામે લડવા માટે ખાસ એન્ટિ ડ્રોન સિસ્ટમ મુકાઇ છે. પોલીસ ઓનલાઇન સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર પણ નજર રાખશે.

ઇ-પેપરના નવા શુલ્ક