• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

અમરેલી જિલ્લાની વર્ષો માગણી ફળીભૂત : ચિતલમાં વંદે ભારતનો સ્ટોપ

17મી ઓગસ્ટથી શરૂ થતી વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને ચિતલમાં કાયમી સ્ટોપ અપાતા અમરેલીના રેલયાત્રી રાજીના રેડ

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી તા.8 : અમરેલી જિલ્લાના ચિતલ ગામને વંદે ભારત ટ્રેનના સ્ટોપની મોટી ભેટ મળી છે. આગામી તા. 17 ઓગસ્ટથી વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી વંદે ભારત રેલવે ટ્રેનને ચિતલ રેલવે સ્ટેશન પર કાયમી સ્ટોપ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા અને તેમાં પણ ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા અમરેલી જિલ્લાના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે અને અમરેલીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી વંદે ભારત ટ્રેનને ચિતલ ખાતે સ્ટોપ આપવા માટે ‘ફૂલછાબ’ અખબારના માધ્યમથી પણ સતત માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરીયાએ પણ લોકસભામાં વંદે ભારત ટ્રેનના સ્ટોપ સહિત રેલવે સુવિધાઓને લઈને સતત રજૂઆતો કરી હતી. જેને આખરે સફળતા મળી છે.

ચિતલ જેવા મહત્વના રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો કાયમી સ્ટોપ મળતા અમરેલી જિલ્લાના મુસાફરોને અમદાવાદ, વેરાવળ સહિતના શહેરો સાથે ઝડપી રેલવે કનેક્ટિવિટીનો મોટો લાભ મળશે.  ચિતલ ખાતે વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળવો અમરેલી જિલ્લાના રેલવે વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વેપારીઓ, 

વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે અમદાવાદ તથા અન્ય શહેરોમાં અવરજવર કરતા લોકો અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે.

વંદે ભારત જેવી ઝડપી અને આધુનિક ટ્રેનને ચિતલ ખાતે કાયમી સ્ટોપ મળતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે અમરેલી જિલ્લાના રેલવે વિકાસમાં વધુ એક મહત્વનું પાનું ઉમેરાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક