નવી દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટોકરની સાથે એક મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે પરસ્પરના સંબંધોને વધુ મજબૂત કરવાનો હતો. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન બન્ને દેશ વચ્ચે મહત્ત્વની સમજૂતીઓ થઈ હતી. ત્યારબાદ બન્ને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.
આ દરમિયાન
પીએમ મોદીએ કહ્યું હતું કે ચાન્સેલરનો પ્રવાસ વ્યાપાર અને રોકાણમાં નવી ઊર્જા લાવશે.
ભારત અને ઓસ્ટ્રિયા મળીને ટેક્નોલોજી અને સપ્લાઈ ચેન મજબૂત કરશે. જેથી દુનિયાને ભરોસાપાત્ર
સમાધાન મળી શકે. રક્ષા, સેમીકંડક્ટર, ક્વાંટમ અને બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં પણ સહયોગ
વધારવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 2023મા થયેલી માઈગ્રેશન અને મોબિલિટી સમજૂતી
હેઠળ હવે નર્સિંગ સેક્ટરમાં પણ લોકોની અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત
રિસર્ચ અને સ્ટાર્ટઅપમાં પણ બન્ને દેશ મળીને કામ કરશે. આ પહેલા ઓસ્ટ્રિયાના ચાન્સેલર
રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની સમાધિએ પુષ્પ
અર્પિત કર્યા હતા. ચાન્સેલર સ્ટોકર પોતાની ચાર દિવસની યાત્રાએ ભારત પહોંચ્યા છે.
2025મા પદ સંભાળ્યા બાદ આ તેમની પહેલી ભારત યાત્રા છે.