લોકસભામાં મહિલા અનામત ખરડો રજૂ : આજે થશે ખરડો પસાર કરવા મતદાન : લોકસભામાં પીએમ મોદીનું સંબોધન, વિપક્ષ ઉપર પ્રહાર : મહિલા અનામતનો વિરોધ કરનારાને માફી મળશે નહી, લાંબો સમય કિંમત ચુકવવી પડશે
નવી
દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત વિધેયક ઉપર ચર્ચાની શરૂઆત
કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનો અર્થ માત્ર સડક, રેલવે અથવા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના
આંકડા નહી પણ તેનો અર્થ એવો પણ છે કે નીતિ નિર્ધારણમાં દેશની અડધી આબાદીને હિસ્સેદાર
બનાવવામાં આવે. આપણે પહેલા જ ઘણો વિલંબ કરી ચૂક્યા છીએ અને હવે સ્વીકાર કરવો પડશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, મહિલા અનામતનો વિરોધ કરનારા લોકોને મહિલાઓ ક્યારેય માફ
કરશે નહી. લાંબો સમય આવા વિરોધની કિંમત ચુકવવી પડશે. આ સાથે પીએમ મોદીએ સીમાંકનને લઈને
દક્ષિણ ભારતના રાજ્યો સહિત તમામ અંગે ભાર મુકીને કહ્યું હતું કે, સીમાંકનની પ્રક્રિયામાં
કોઈપણ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહી, જેની તેઓ ગેરન્ટી આપી રહ્યા છે અને વચન
આપી રહ્યા છે. મહિલા અનામતથી કોઈ એક પક્ષને નહી પણ તમામને ફાયદો થશે. એક રાષ્ટ્રના
રૂપમાં વિચાર કરવો તમામની જવાબદારી છે. કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય ટુકડે ટુકડે
વિચારી શકાય નહી અને નિર્ણય પણ લઈ શકાય નહી. માત્ર રાજનીતિક લાભ માટે જે હંગામો થાય
છે તે અયોગ્ય છે.
સંસદનું
વિશેષ સત્ર ગુરૂવારથી શરૂ થયું છે. જેમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે
લોકસભામાં મહિલા અનામત ખરડો, સીમાંકન બિલ સહિત કુલ ત્રણ ખરડા રજૂ કર્યા હતા. આ ખરડા
ઉપર લોકસભામાં આવતીકાલે સાંજે ચાર વાગ્યે મતદાન કરવામાં આવશે અને તેની પહેલા ચર્ચાનો
સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં ચર્ચા દરમિયાન સરકારે કહ્યું હતું કે મહિલા અનામતની
અમલવારી અને સીમાંકન બાદ લોકસભાની કુલ સંખ્યા 815 થઈ જશે અને તેમાંથી272 સીટ મહિલાઓ
માટે અનામત રહેશે.
પીએમએ
કહ્યું હતું કે આપણું સૌભાગ્ય છે કે દેશની અડધી આબાદીને રાષ્ટ્ર નિર્માણની નીતિ બનાવવાની
પ્રક્રિયામાં સામેલ કરવાની તક મળી રહી છે. બધા મળીને દેશને નવી દિશા આપવા જઈ રહ્યા
છે તેમજ શાસન વ્યવસ્થાને સંવેદનશીલતાથી ભરવાનો એક સાર્થક પ્રયાસ કરવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે આ મંથનમાંથી જે અમૃત નિકળશે તે મહિલાઓના સશક્તિકરણને નવી
ઉંચાઈ આપશે અને દેશની રાજનીતિની દશા અને દિશા પણ નક્કી કરશે. મહિલાઓને મળનારા અધિકારોનો
જેણે જેણે વિરોધ કર્યો છે તેઓને ક્યારેય મહિલાઓને માફ કર્યા નથી. તેઓની હાલત ખરાબ કરી
છે. જો કે 2024ની ચૂંટણીમાં આવું બન્યું નથી કારણ કે કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ કર્યો
નહોતો. મહિલા અનામતનો નિર્ણય કોઈના પક્ષમાં નહી પણ દેશના લોકતંત્રના પક્ષમાં જશે. જેની
ક્રેડિટ માત્ર મોદીને નહી પણ તમામને મળશે.
લોકસભામાં
પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે અનામતના મુદ્દે તેઓ
પોતાનું પદ ગુમાવવાના ડરથી સહયોગ આપી રહ્યા નથી. પંચાયતોમાં અનામત આપવામાં આવે છે કારણ
કે તેમાં પોતાનું પદ જવાનો ડર રહેતો નથી. આ જ કારણે પંચાયતોમાં અનામત 50 ટકા સુધી પહોંચી
ગઈ છે.લાખો બહેનો પંચાયતોમાં કામ કરી ચૂકી છે અને હવે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવાની
માગણી કરી રહી છે.
લોકસભામાં
પીએમ મોદીએ સીમાંકનને લઈને સ્પષ્ટ ભરોસો આપ્યો હતો અને કહ્યું હતું કે, સીમાંકન પ્રક્રિયામાં
કોઈપણ રાજ્ય સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહી. પીએમ મોદીએ સંબોધનમાં ભાર મુકીને કહ્યું
હતું કે સીમાંકનમાં કોઈ રાજ્યને ભેદભાવ કરવામાં આવશે નહી અને આ તેઓની ગેરન્ટી છે અને
વચન છે. સીમાંકન એક નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા હશે અને તેમાં દરેક રાજ્યના હિતનું
પૂરું ધ્યાન રાખવામાં આવશે.
મોદીએ
કહ્યું હતું કે, 25-30 વર્ષ પહેલા કોઈએ વિરોધ કર્યો તો તેઓ ખૂબ જ નીચે ગયા હતા, જો
કે હવે સ્થિતિ બદલાઈ છે અને હવે મહિલાઓ ઓપિનિયન લીડર છે અને તેઓ વોકલ છે. મહિલાઓ જોશે
અને પોતાનો મત વ્યક્ત કરશે. આ માટે વિરોધ કરનારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. જમીન ઉપર
નેતૃત્વ કરનારી મહિલાઓ અનામતનો વિરોધ કરનારાઓને માફ કરશે નહી. મહિલા અનામતનો વિરોધ
કરનારા લોકોએ લાંબા સમય સુધી કિંમત ચુકવવી પડશે. લોકસભામાં કાળા કપડા પહેરીને વિરોધ
પ્રદર્શન કરનારા ડીએમકેના નેતાઓ ઉપર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ આભાર
માને છે કે વિધેયકને ખરાબ નજરથી બચાવવા માટે તેના ઉપર કાળો ટીકો કરી દીધો છે.
અખિલેશે
મુસ્લિમ મહિલાઓને અનામતની વાત ઉપાડી, અમિત શાહે કહ્યું, સપા તમામ બેઠક મુસ્લિમોને આપે
નવી
દિલ્હી, તા. 16 : અખિલેશ યાદવ દ્વારા ખરડો રજૂ કરવાના સમય અને સીમાંકનની પ્રક્રિયા
ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને મુસ્લિમ મહિલાઓને અનામતની વાત ઉઠાવી હતી. જેનો જવાબ આપતા
અમિત શાહે કહ્યું હતું કે, ધર્મના આધારે મુસ્લિમોને અનામત ગેરબંધારણીય છે. સપા પોતાની
તમામ સીટ મુસ્લિમોને આપે તેનાથી કોઈ વાંધો નથી.
બિલ લોકસભામાં રજૂ થતા જ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે
વિરોધ કર્યો હતો અને સદનમાં હંગામો શરૂ કર્યો હતો. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે ખરડાનો
વિરોધ કરતા કહ્યું હતું કે દેશના સંવિધાનમાં સંસદને ક્ષમતા આપી છે કે સંવિધાનની રક્ષા
કરવામાં આવે, જો કે આજે એવા બિલ આવ્યા છે જે સંવિધાનને તોડી મરોડી રહ્યા છે. સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે, સરકાર જનગણના
કેમ કરાવી રહી નથી, સરકાર છેતરપિંડીથી ખરડો લાવવા માગે છે. અખિલેશે કહ્યું હતું કે,
દેશની અડધી આબાદી અનામત ઈચ્છે છે, તો તેઓ જાણવા માગે છે કે શું મુસ્લિમ મહિલાઓ અડધી
આબાદીમાં સામેલ નથી ? જેના ઉપર અમિત શાહે કહ્યું
હતું કે, સપા પોતાની તમામ ટીકીટ મુસ્લિમ મહિલાઓને આપે. સંવિધાન કોઈપણ રીતે ધર્મના આધારે
અનામતની મંજૂરી આપતો નથી. મુસ્લિમોને ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. શાહે આગળ
કહ્યું હતું કે, તેઓ દેશને કહેવા માગે છે કે જનગણના શરૂ થઈ ચૂકી છે. સરકાર જાતિગત જનગણના
ઉપર પણ નિર્ણય લઈ ચૂકી છે.
બાદમાં
સદનમાં ખરડાને રજૂ કરવા માટે ધ્વનિમત લેવાયા હતા. જેમાં વિપક્ષે મત વિભાજનની માગ કરી
હતી. જેના માટે પક્ષમાં 251 અને વિપક્ષમાં 185 મત પડયા હતા. મતદાન બાદ ભાજપ તરફથી અર્જુન
રામ મેઘવાલે ચર્ચાની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે સંવિધાન નિર્માતાઓએ સંવિધાનને
શક્તિ આપી છે કે સંશોધન કરીને લોકહિતના નિર્ણય લઈ શકાય છે. આ ત્રણેય બિલ મહિલાઓ માટે
છે. મેઘવાલે કહ્યું હતું કે, મહિલા અનામત વિધેયક 2023માં પસાર કરવામાં આવ્યું હતું,
જેની જોગવાઈ 2026 બાદની જનગણના અને સીમાંકનના આધારે લાગુ કરવામાં આવશે. જેનાથી લોકસભાની
સભ્ય સંખ્યામાં સમાન રીતે 50 ટકાની વૃદ્ધિ થશે, એટલે કે કુલ સીટ 815 થઈ જશે. જેમાંથી 272 સીટ મહિલાઓ
માટે અનામત રહેશે. આ પ્રક્રિયાથી રાજ્યને કોઈ નુકસાન થશે નહી. તેમની વર્તમાન તાકાત
બરાબર રહેશે.
લોકસભામાં
ચર્ચા દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો
હતો અને કહ્યું હતું કે, ભાજપને ઉતાવળ એટલે છે કારણ કે અનામત આપવા માગતી નથી. ભાજપે
બતાવવું જોઈએ કે 21 રાજ્યમાં તેમની સરકાર છે તેમાં કેટલા મહિલા મુખ્યમંત્રી છે. દેશની
સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતા પક્ષમાં મહિલાઓને પર્યાપ્ત પ્રતિનિધિત્વ કેમ નથી.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા ત્રણેય ખરડા ઉપર 17
એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે મતદાન કરવામાં આવશે અને તેની પહેલા ચર્ચા કરવામાં આવશે.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે સરકાર સદનમાં સાંભળવા અને જવાબ આપવા
માટે છે. સરકારે 12 કલાક ચર્ચાનો સમય નક્કી કર્યો છે.