• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

દિલ્હી એરપોર્ટે દુર્ઘટના ટળી : બે વિમાનની ટક્કર

ટેક્સીંગ દરમિયાન અકાસા એર અને સ્પાઈસજેટના વિમાન વચ્ચે અકસ્માત : તમામ યાત્રી સુરક્ષિત

 

નવી દિલ્હી, તા. 16 : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે ટેક્સીંગ (વિમાન પાર્ક કરવું) દરમિયાન સ્પાઈસજેટનું એક વિમાન અકાસા એરના વિમાન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં સ્પાઈસજેટના વિમાનના જમણા વિંગલેટને નુકસાન પહોંચ્યું હતું અને વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ બનાવમાં યાત્રી અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ બનાવ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, 16 એપ્રિલ 2026ના સ્પાઈસજેટનું વિમાન દિલ્હી એરપોર્ટે ટેક્સીંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યું હતું. આ ઘટનામાં વિમાનના જમણા વિંકલેટમાં નુકસાન પહોંચ્યું હતું જ્યારે બીજી એરલાઈનના વિમાનના ડાબા હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝરને પણ નુકસાન પહોંચ્યું હતું. અકાસા એરના પ્રવક્તાએ કહ્યું હતું કે હૈદરાબાદ જતી અકાસા એરની ફલાઈટને પરત ફરવું પડયું હતું.

અકાસાનું વિમાન બે એરિયામાં હતું ત્યારે બીજી એરલાઈનના વિમાન સાથે ટક્કર થઈ હતી. તમામ યાત્રી અને ક્રૂને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવાયા હતા. <બન્ને એરલાઈન કંપનીઓએ કહ્યું હતું કે, બનાવ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને બનાવની તપાસ ચાલી રહી છે. આ અગાઉ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટે પણ આવી ઘટના બની હતી જેમાં એક વાહને બે એરિયામાં રહેલા ઈન્ડિગો વિમાનને ટક્કર મારી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક