• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

વીટોનો દાયરો વધારો : ઞગજઈમાં ભારતની માગ

ભારતીય રાજદૂતે કહ્યું, વીટો ધરાવતા સભ્યો નહી વધે તો અસંતુલન યથાવત્ રહેશે

 

નવી દિલ્હી, તા. 16  : ભારતે એક વખત ફરીથી વૈશ્વિક મંચ ઉપર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બદલાવનું પૂરજોશથી સમર્થન કર્યું છે. આ દરમિયાન ભારતે કહ્યું હતું કે, યુએનએસસીમાં કોઈપણ સુધાર, જો વીટો શક્તિના સ્થાયી સભ્યોની શ્રેણીમાં વિસ્તાર સાથે ન કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્રના એકમમાં વર્તમાન અસંતુલન અને અસમાનતા યથાવત્ રહેશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે સુરક્ષા પરિષદ સુધારા ઉપર આંતર-સરકારી વાર્તા (આઈજીએન) બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે વીટોની સાથે અથવા તેના વિના એક નવી શ્રેણી ઉપર વિચાર કરવાથી પહેલાથી ચાલુ ચર્ચા વધુ જટિલ બનશે. ભારતીય રાજદૂતે કહ્યું હતું કે, બે મુળભૂત કારણ છે જેના કારણે સંરચના અસંતુલિત બને છે અને પરિષદની વૈધતા અને પ્રીતનિધિત્વ ઉપર સવાલ ઉઠે છે. આ બે કારણ સભ્યપદ અને વીટોનો અધિકાર છે. હરીશે કહ્યું હતું કે બદલાવ તાકીદે જરૂરી છે.  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારની તત્કાળ જરૂરીયાત ઉપર વ્યાપક સહમતિ છે. 80 વર્ષથી વધુ સમય પહેલા બનેલી સંરચના આજની વૈશ્વિક રાજનીતિક પરિસ્થિતિઓને અનુરૂપ નથી. ભારતીય રાજદૂતે કહ્યું હતું કે, 1960ના દશકમાં પરિષદમાં એકમાત્ર સુધારાના કારણે વીટોનો અધિકાર રાખતા દેશોની તાકાત વધી હતી અને તેના હેઠળ માત્ર અસ્થાયી શ્રેણીમાં વિસ્તાર કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં સ્થાયી દેશોએ પોતાના સ્વાર્થને પુરા કરવા માટે વીટોનો પ્રયોગ કરીને અડચણો ઉભી કરી છે તેવામાં વીટો અધિકાર ધરાવતા સ્થાયી સભ્યોની શ્રેણીનો વિસ્તાર સુરક્ષા પરિષદના વાસ્તવિક સુધાર માટે ખૂબ જ જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક