લાહોર, તા. 16 : પાકિસ્તાનમાં ફરીથી અજ્ઞાત હુમલાખોર સક્રિય થયા છે. નવા ઘટનાક્રમમાં લાહોરમાં લશ્કર એ તૈયબાના એક મોટા આતંકવાદી અને ભારતના દુશ્મન ઉપર અજ્ઞાત હુમલાખોરોએ તાબડતોડ ગોળીબાર કર્યો હતો. જાણકારી અનુસાર આ હુમલો તૈયબાના સંસ્થાપક સભ્ય અને કુખ્યાત આતંકવાદી આમિર હમઝા ઉપર થયો છે. હમઝા લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર હતો ત્યારે જ ગોળીબાર થયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તે જીવન અને મોતનો સંઘર્ષ કરી રહ્યો છે.
અજ્ઞાત
બંદૂકધારીઓ હમઝાને નિશાન બનાવીને સ્થળ ઉપરથી ફરાર થયા હતા જ્યારે હમઝાને તાકીદે નજીકની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટોરોએ આતંકીની સ્થિતિ ખુબ જ ગંભીર ગણાવી
છે. હમઝા લાંબા સમયથી ભારત વિરોધી ગતિવિધિ અને આતંકી હુમલાની યોજનાઓ બનાવવામાં સામેલ
રહ્યો છે. હમઝા તૈયબાનો માત્ર એક સભ્ય જ નહીં પણ આતંકી હાફિઝ સઈદ સાથે મળીને લશ્કર
એ તૈયબા સ્થાપવામાં પણ સામેલ હતો. તેને તૈયબાના વૈચારિક પ્રસાર અને ભંડોળ એકત્રિત કરવાનો
વિશેષજ્ઞ માનવામાં આવતો હતો. તેમજ અફઘાનિસ્તાનમાં મુઝાહિદ્દીન તરીકે લડી ચૂક્યો છે.
હમઝા
પોતાની કટ્ટરવાદી વિચારધારા અને ઉશ્કેરણીજનક ભાષણો માટે જાણીતો છે. તે તૈયબાના મુખ્યપત્રમાં
સંપાદક પણ રહી ચૂક્યો છે. હમઝાને અમેરિકા પણ આતંકી ઘોષિત કરી ચૂક્યું છે. 2018મા પાકિસ્તાની
સરકાર દ્વારા જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત જેવા સંગઠનો ઉપર સખત કાર્યવાહી કરતા
હમઝાએ પોતાને તૈયબાથી અલગ કરી લીધો હતો. બાદમાં જૈશ એ મનકફા નામથી અલગ જૂથ બનાવ્યું
હતું.