• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

નિર્લિપ્તરાય એક્શનમાં : ગોંડલના 280 હિસ્ટ્રીશીટરની પોલીસ પરેડ યોજાઈ

ગોંડલ ડિવિઝન વિસ્તારમાં રહી જીવલેણ હુમલા, ચોરી, દારૂ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીને નેશનલ હાઇવે ટચ ઓફિસે ભેગા કર્યા, કડક ભાષામાં ચેતવણી

 

રાજકોટ, તા.16: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ફરી એકવાર કડક મૂડમાં જોવા મળ્યા છે. ગોંડલ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તેમના માર્ગદર્શન હેઠળ ભરૂડી સ્થિત એલસીબી ઓફિસ ખાતે એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ ડિવિઝનના અંદાજે 280 જેટલા હિસ્ટ્રીશીટરોને એકસાથે બોલાવી તેમની કડક પૂછપરછ અને પરેડ યોજવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પરેડ દરમિયાન ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેમની આવકનું સાધન શું છે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. નિર્લિપ્ત રાયની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને પગલે અસામાજિક તત્ત્વો પર પોલીસનો અંકુશ મજબૂત બન્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને પરેડમાં ગેરહાજર રહેલા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ આક્રમક કાર્યવાહી દ્વારા સંદેશ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે શાંતિ ભંગ કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ગોંડલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની આ સક્રિયતાને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે

ઇ-પેપરના નવા શુલ્ક