• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ વેચાણ ઝડપાયું : એકની ધરપકડ

રૂ.એક લાખનું 1200 લિટર ડીઝલ જપ્ત

 

સલાયા તા. 16 : મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લિટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડીઝલની કિંમત રૂ. 1,08,000 આંકવામાં આવી છે.

જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત વોચ રાખવામાં આવી રહી છે. તે અંતર્ગત સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.

પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવાસિંહ ભીખુભા જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રાસિંહ ગુમાનાસિંહ જાડેજાને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમી મુજબ, હુસેન કાસમ સંઘાર નામનો શખસ સલાયાના દરિયામાં માછીમારીની આડમાં મોટા બાર્જમાંથી પાઇપ મારફતે ગેરકાયદેસર રીતે ડીઝલની હેરફેર અને વેચાણ કરતો હતો. તે જ્વલનશીલ પદાર્થોની હેરફેર માટે કોઈ મંજૂરી કે લાઇસન્સ ધરાવતો ન હતો.

આથી પોલીસે વોચ ગોઠવીને હુસેન કાસમ સંઘારને ઝડપી લીધો હતો. તેની પાસેથી 1200 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 1,08,000 છે. સલાયા મરીન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એએસઆઈ દેવેન્દ્રાસિંહ જટુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઓમદેવાસિંહ ભીખુભા જાડેજા, પીઠાભાઈ જોગલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક