સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: તબીબની અરજી ફગાવવા સાથે દેશી પ્લેટફોર્મના ઉપયોગની સલાહ આપી
નવી દિલ્હી,તા.15 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ઠેરવ્યું હતું કે વ્હોટસએપ એ મૌલિક અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતે આ સાથે જ એ મહિલા તબીબની અરજી ફગાવી દીધી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વ્હોટસએપ સુધી તેમની પહોંચ એ તેમનો મૌલિક અધિકાર છે અને મેસેજિંગ પ્લેટફોર્મ તેમનું એકાઉન્ટ બ્લોક કરી શકે નહીં. અદાલતે જણાવ્યું હતું કે એક ખાનગી મેસેજિંગ સેવાનો દુરુપયોગ બંધારણીય રીતે સુરક્ષિત અધિકારોના દાયરામાં આવે નહીં.
આ મેસેજિંગ પ્લેટફોર્મે સેવાના દુરુપયોગનો આરોપ લગાવીને અરજદાર મહિલાનું વ્હોટસએપ એકાઉન્ટ બ્લોક કર્યું હતું. આ નિર્ણય સામે તબીબે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અરજદાર ડો. રમન કુંદ્રાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે આ પ્લેટફોર્મ તેમના વ્યવસાયી અને વ્યક્તિગત સંચાર માટે જરૂરી છે. આ ઉપરાંત અરજીમાં આ પ્રકારની સેવાનું પરિચાલન
કરનારી કંપનીઓના વિનિયમન માટે અખિલ ભારતીય સ્તરે દિશાનિર્દેશ જારી કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટે અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે વ્હોટસએપ એક ખાનગી સંસ્થા છે અને ઉપયોગકર્તા તેની સેવાશરતોથી બાધ્ય નથી. અદાલતે તબીબને જોહો દ્વારા બનાવવામાં આવેલી દેશી અરાટ્ટાઈ એપ જેવી અન્ય વૈકલ્પિક મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી.