ચીની રાજદૂતને બતાવી પાકિસ્તાનની હરકતો : ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, પાડોશી બદલી શકાશે નહીં
નવી
દિલ્હી, તા. 16 : તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે બુધવારે 48 કલાકના
યુદ્ધવિરામ ઉપર સહમતિ બની છે પણ હજી બન્ને દેશ વચ્ચે સ્થિતિ પૂરી રીતે સુધરી નથી. બન્ને
દેશ વચ્ચે ફરીથી હિંસક ઘર્ષણ થયું હતું જેમાં બન્ને તરફથી જાનહાની થઈ હતી. આ દરમિયાન
તાલિબાનના મંત્રીએ ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનના ઉપ વિદેશ મંત્રી
નઈમ વરદાકે કાબૂલમાં ચીનના રાજદૂત ઝાઓ જિંગ સાથે બેઠક કરીને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને
કરેલી એરસ્ટ્રાઈકને કાયરતાપૂર્ણ અને ક્રૂર ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે અફઘાનિસ્તાને
પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે.
વરદાકે
ચીનના રાજદૂતને કહ્યું હતું કે પાકિસ્તાને હુમલાના માધ્યમથી તમામ માનવીય, ઈસ્લામી અને પાડોસી સિદ્ધાંતો તોડયા
છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે બેઠક બાદ જારી નિવેદનમાં કહ્યું હતું કે, વરદાકે
ઈસ્લામાબાદ સાથે શાંતિનો આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે યુદ્ધ કોઈ સમાધાન નથી. તેમણે
ભાર મુકીને કહ્યું હતું કે તાલિબાન પ્રશાસન તમામ પાડોસી દેશ સાથે સારા અને સકારાત્મક
સંબંધ ઈચ્છે છે.
આ બેઠક
વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાંગનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં
કહેવામાં આવ્યું હતું કે અસ્થાયી સીઝફાયર લાગુ કરવાઅને વાતચીત મારફતે સમાધાન શોધવાના
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નિર્ણયને ધ્યાને લેવામાં આવ્યો છે. લિન જીયાંગે આગળ કહ્યું
હતું કે ચીન વારંવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા
માટે વાતચીત મારફતે સમાધાન જરૂરી છે.
બલૂચિસ્તાનમાં વધ્યો તણાવ : વિદ્રોહીઓએ ઉડાવી ગેસ પાઈપલાઈન
ઈસ્લામાબાદ,
તા. 16 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો યુદ્ધ વિરામ લાગુ છે. આ દરમિયાન
બલૂચિસ્તાનમાં અશાંતિ ઉભી થઈ છે. બલૂચ લિબરેશન ફ્રંટ (બીએલએ)એ ધાદર વિસ્તારમાં એક પોલીસ
પેટ્રોલિંગ ટીમને બંધક બનાવવાની જવાબદારી સ્વીકારી લીધી છે. જેનાથી ક્ષેત્રમાં તણાવ
વધવાની આશંકા છે. બીએલએફએ દાવો કર્યો છે કે તેણે પોલીસ અધિકારીઓને બંધક બનાવ્યા છે.
જ્યારે બલૂચ રિપબ્લિક ગાર્ડે એક વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. જેમાં સુઈ અને કાશમોર
વચ્ચે આવેલી એક મહત્ત્વપૂર્ણ ગેસ પાઈપલાઈનને ભારે નુકસાન પહોંચ્યું છે.
તાલિબાન
સાથેનું યુદ્ધ રોકાવો : પાકિસ્તાનની ટ્રમ્પ સામે ચાપલૂસી
ઈસ્લામાબાદ,
તા. 16 : અફઘાનિસ્તાન સાથેના યુદ્ધ વચ્ચે પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચાપલૂસીના
સ્વરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આજીજી કરી છે કે અફઘાનિસ્તાન સાથેના યુદ્ધને
રોકવા માટે મધ્સ્થતા કરવામાં આવે. ખ્વાજા આસિફે પાકિસ્તાની ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં
ટ્રમ્પ સમક્ષ મધ્યસ્થતાનો અનુરોધ કર્યો હતો અને ચાપલૂસીના સ્વરમાં કહ્યું હતું કે અમેરિકાના
રાષ્ટ્રપતિ યુદ્ધો માટે જવાબદાર રહ્યા છે પણ ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપતિ છે જેઓએ યુદ્ધ
રોકાવ્યા છે. જો તેઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધમાં મધ્યસ્થતા કરાવવા માગે તો તેમનું
સ્વાગત છે. આ દરમિયાન આસિફે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે તાલિબાન સરકાર ભારત તરફથી
પ્રોક્સી વોર લડી રહી છે.