• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

સંયુક્ત રાષ્ટ્ર હજી પણ 1945 જેવું : જયશંકર

સંયુક્ત રાષ્ટ્રમાં સૈન્ય યોગદાન આપનારા દેશોના સંમેલનમાં જયશંકરે કરી યુનોમાં સુધારાની માગ

 

નવી દિલ્હી, તા. 16 : ભારતીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે નવી દિલ્હીમાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપનારા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માગણી કરી હતી. જયશંકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર હજી પણ 1945નો સમય દર્શાવે છે. યુએનએ વિકાસશીલ દેશોનો અવાજ મજબૂત કરવો જોઈએ અને આ સ્થિતિ ઉપર જ યુનોની વિશ્વસનિયતા ટકેલી છે.

પોતાના સંબોધનમાં એસ જયશંકરે કહ્યું હતું કે, તેઓ ન્યુયોર્કથી 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લઈને પરત ફર્યા છે. આ યાત્રાની અમુક મહત્ત્વની વાત રજૂ કરવા માગે છે. પહેલી વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર આજે પણ 1945ની વાસ્તવિકતાઓને દર્શાવે છે. 80 વર્ષ એક લાંબો સમય છે અને આ સમય દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના સભ્યોની સંખ્યા હકીકતમાં ચાર ગણી થઈ છે. બીજી વાત એ છે કે જે સંસ્થાઓ બદલાવ કરવામાં નિષ્ફળ રહે છે તેના અપ્રાસંગિક બનવાનું જોખમ વધારે હોય છે. સંયુક્ત રાષ્ટ્રને પ્રભાવી બનાવવા માટે તેમાં સુધારો કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રએ વિકાસશીલ દેશોનો અવાજ મજબુત કરવો પડશે અને ગ્લોબલ સાઉથની આકાંક્ષા દર્શાવવી પડશે. આ બાબત ઉપર જ યુનોની વિશ્વસનિયતા ટકેલી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક