• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

રણજી ટ્રોફીમાં કર્ણાટક સામે સારી શરૂઆત પછી સૌરાષ્ટ્રના 4 વિકેટે 200

કર્ણાટક ટીમ 372 રને ઓલઆઉટ : ધર્મેન્દ્ર જાડેજાની 7 વિકેટ અને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 400 વિકેટની ઉપલબ્ધિ

રાજકોટ, તા.16: રણજી ટ્રોફી એલિટ ગ્રુપ બીના મેચમાં કર્ણાટક વિરુદ્ધ સારી શરૂઆત બાદ સૌરાષ્ટ્ર ટીમના બીજા દિવસના અંતે 4 વિકેટે 200 રન થયા હતા. તે હજુ 172 રન પાછળ છે અને 6 વિકેટ હાથમાં છે. આ પહેલા આજે કર્ણાટકનો પ્રથમ દાવ 372 રને સમાપ્ત થયો હતો. સૌરાષ્ટ્રના અનુભવી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 42 ઓવરમાં 127 રન આપી 7 વિકેટ ઝડપી શાનદાર દેખાવ કર્યો હતો. ધર્મેન્દ્ર જાડેજાએ આ સાથે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

સૌરાષ્ટ્રના દાવની શરૂઆત સંગીન અને આક્રમક રહી હતી. અનુભવી ઓલરાઉન્ડર ચિરાગ જાની અને યુવા વિકેટકીપર હાર્વિક દેસાઇ વચ્ચે પહેલી વિકેટમાં 140 રનની ભાગીદારી થઇ હતી. હાર્વિક 104 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી 41 રને આઉટ થયો હતો. જ્યારે ચિરાગ જાની સદી નજીક પહોંચી 90 રને આઉટ થયો હતો. તેણે 148 દડાની ઇનિંગમાં 11 ચોક્કા-1 છક્કો ફટકાર્યા હતા. આ જય ગોહિલ (3) અને અંશ ગોસાઇ (19) સસ્તામાં પાછા ફર્યા હતા. અર્પિત વસાવડા 12 અને પ્રેરક માંકડ 20 રને નોટઆઉટ રહ્યા હતા. સૌરાષ્ટ્રના 60 ઓવરમાં 4 વિકેટે 200 રન થયા હતા.

આ પહેલા કર્ણાટકનો પહેલો દાવ 117.3 ઓવરમાં 372 રને સમાપ્ત થયો હતો. આર. સ્મરણ 77, શ્રેયસ ગોપાલ પ6 અને શિખર શેટ્ટીએ 41 રન કર્યાં હતા. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રની 7 વિકેટ ઉપરાંત કપ્તાન જયદેવ ઉનડકટ, યુવરાજ ડોડિયા અને સમર ગજ્જરને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક