ભોગ બનનાર યુવાન હીરાના કારખાનેથી બાઈક પર જતો હતો: કાપોદ્રા પોલીસે એક આરોપીને ઝડપી લીધો
સુરત,
તા.16: સુરતના કાપોદ્રા વિસ્તારના ધરમનગર રોડ પરથી ગત મોડી રાત્રે બાઈક પર જઈ રહેલા
40 વર્ષીય રત્નકલાકાર અને અન્ય બે યુવક વચ્ચે બોલાચાલી થતા બે પૈકી એક યુવકે રત્નકલાકારને
ચપ્પુના ઘા ઝિંકી દેતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. ઘટના અંગે જાણ થતા પોલીસે
ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
મળતી
માહિતી મુજબ મૂળ, ઉપલેટાનો વતની અને હાલ કાપોદ્રા ખાતે રહેતા સુરેશ પ્રેમજી ચિત્રોડા
(ઉ.40) હીરાના કારખાનામાં નોકરી કરી પત્ની અને બે દીકરાનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન
ગત મોડી રાત્રે નોકરીની ફરજ પરથી સુરેશભાઈ બાઈક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યા
હતા. તે વેળાએ કાપોદ્રાના ધરમનગર ખાતેથી પસાર થતી વખતે બાઈક પર આવેલા બે શખસે તેમને
રોક્યા હતા. દરમિયાન જાહેરમાં રાડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશભાઈને બે ઈસમો પૈકી
એક છરીના બે જેટલા ઘા ઝિંકી બન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાને પગલે
સુરેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતુ. બનાવ અંગે જાણ થતા કાપોદ્રા પોલીસ અધિકારીઓ
સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બાતમીને
આધારે એક આરોપી જયેશ રાકેશ પાટીલ (ઉ.19)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, આ આરોપી હીરા ઘસવાની છૂટક મજુરી કરે છે. બનાવની રાત્રે
આરોપી તેના મિત્ર સાથે પોતાની બાઈક પર કતારગામ તરફ નાસ્તો કરવા જઈ રહ્યો હતો. ત્યારે
મૃતક સુરેશભાઈએ તેમની બાઈકને ઓવરટેક કરતા આરોપી જયેશ પાટીલે તેને બાઈક ધીમે ચલાવવા
ટકોર કરતા બોલાચાલી થઈ હતી અને આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાના પાસે રહેલો છરો કાઢી સુરેશભાઈને
છાતી તથા પેટના ભાગે ઉપર છાપરી ઘા મારી દીધાની કબુલાત આપી હતી. રત્નકલાકારના મૃત્યુને
પગલે સામી દિવાળીએ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.