• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે : ટ્રમ્પ

વડાપ્રધાન મોદીએ પોતાને ખાતરી આપી હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો : કહ્યું ટૂંક સમયમાં ભારતની ખરીદી બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે : આવી વાત થયાનો દાવો ભારતે ફગાવ્યો

 

વોશિંગ્ટન, તા.16 : વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હોવાનું ટાંકી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરશે. તેમણે ભારતના આ પગલાને મોસ્કોને આર્થિક રીતે અલગ કરવાના પ્રયાસોમાં મોટું પગલું ગણાવ્યું છે. ટ્રમ્પના આવા દાવાને ભારતે ફગાવી દીધો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે પ્રતિક્રિયામાં કહ્યું કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. ટ્રમ્પે પોતાના દાવામાં જે ટેલિફોનિક વાતચીતનો ઉલ્લેખ કર્યો છે તે અમારી જાણમાં નથી.

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યંy કે હું ખુશ નહોતો કે ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહ્યું છે અને તેમણે (મોદી) આજે મને ખાતરી આપી છે કે તેઓ (ભારત) રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે નહીં. તમે જાણો છો તમે તે તાત્કાલિક કરી શકતા નથી. થોડી પ્રક્રિયા છે પરંતુ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. તે એક મોટું પગલું છે.

હવે આપણે ચીન પાસેથી પણ એ જ કામ કરાવવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન મોદીના વખાણ કરતાં કહયુ કે મોદી એક મહાન માણસ છે. તેઓ ટ્રમ્પને પ્રેમ કરે છે. હું તેમની રાજકીય કારકિર્દીનો નાશ કરવા માંગતો નથી. મેં વર્ષોથી ભારત પર નજર રાખી છે. તે એક અદ્ભુત દેશ છે અને દર વર્ષે તમને એક નવો નેતા મળશે.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શું આવી કોઈ ખાતરી આપી છે ? તે વિશે વાશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસને મીડિયા દ્વારા ઇમેઇલથી પૂછવામાં આવેલા સવાલનો તુરંત કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો છતાં ટ્રમ્પના દાવા મુજબ ભારત જો રશિયન ક્રૂડ ખરીદવાનું બંધ કરશે તો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોસ્કોની ક્રૂડની આવકને મર્યાદિત કરવાના અમેરિકાના પ્રયાસને મોટી સફળતા ગણાશે. રશિયન ક્રૂડના ખરીદદાર દેશો પર ટ્રમ્પ કૂટનીતિક દબાણ લાવી રહ્યા છે.

 

અમારા ક્રૂડથી ભારતીય અર્થતંત્રને ફાયદો : રશિયા

ટ્રમ્પના દાવા પર રશિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રશિયન ક્રૂડ ભારતીય અર્થતંત્ર માટે ફાયદાકારક છે, પરંતુ મોસ્કો અમેરિકા અને ભારત વચ્ચે દખલ કરશે નહીં. ભારત અને અમેરિકા તેમના નિર્ણયોમાં સ્વતંત્ર છે, અમે તે મુદ્દાઓમાં દખલ કરતા નથી. ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે અમારો ક્રૂડનો પુરવઠો ભારતીય અર્થતંત્ર અને ભારતીય લોકોના કલ્યાણ માટે ખૂબ ફાયદાકારક છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક