• બુધવાર, 22 મે, 2024

MI વિ. RCBનો આજે હાઇવોલ્ટેજ મુકાબલો

મુંબઈ વિજયક્રમ જાળવી રાખવા માગશે : બેંગ્લુરુ પર સારા દેખાવનું દબાણ

મુંબઈ, તા.10: ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહેલ સિતારા ખેલાડીઓથી સજ્જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ ગુરૂવારે રમાનાર આઇપીએલના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ટકરાશે ત્યારે આરસીબી ટીમ પર સારા દેખાવનું દબાણ બની રહેશે. પાંચ મેચમાં ચાર મેચ હારી ચૂકેલી આરસીબી ટીમ આખરી ઇલેવન પસંદ કરવામાં સતત ભૂલ કરી રહી છે અને તેની કિંમત મેદાન પર ચૂકવી રહી છે. પોઇન્ટ ટેબલ પર તે મુંબઈ ઇન્ડિયન્સથી એક ક્રમ નીચે એટલે કે નવમા ક્રમે છે. મુંબઈ ટીમ 4 મેચમાં 1 જીત સાથે આઠમા નંબર પર છે. તેનો નેટ રન રેટ બેંગ્લુરુથી થોડો સારો છે. હાર્દિક પંડયાની ટીમને પાછલા મેચમાં સીઝનની પહેલી જીત નસીબ થઈ હતી. દિલ્હી કેપિટલ્સને 29 રને હાર આપી હતી. મુંબઈ-આરસીબી વચ્ચે અત્યાર સુધી 32 ટક્કર થઈ છે. જેમાં મુંબઈનો 18 અને બેંગ્લુરુનો 14 મેચમાં વિજય થયો છે. આઇપીએલ ઈતિહાસમાં આ બન્ને ટીમ વચ્ચેની ટક્કર હંમેશાં રસપ્રદ રહી છે.

વિરાટ કોહલીના શાનદાર દેખાવ છતાં આરસીબીએ આઇપીએલ-2024 સીઝનની ખરાબ શરૂઆત કરી છે. તેના વિદેશી ખેલાડીઓ હજુ સુધી ફોર્મ શોધી શક્યા નથી. કપ્તાન ફાફ ડૂ પ્લેસિસ 109 રન, ગ્લેન મેક્સવેલ ફક્ત 32 રન અને કેમરૂન ગ્રીન 68 રન પાંચ મેચમાં કરી શક્યા છે. ટીમની સૌથી મોટી ચિંતા મેક્સવેલનું આઉટ ઓફ ફોર્મ હોવું છે. બીજી તરફ કોહલી એક સદી સાથે કુલ 316 રન સાથે ટોચ પર છે. પાંચ મહિના પહેલા વિશ્વ કપના સેમિ ફાઇનલમાં તેણે વાનખેડે સ્ટેડિયમ પર સદી ફટકારી હતી. તે ફરી અહીં રન કરવા માગશે.

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ હારની હેટ્રિક બાદ જીતના ક્રમ પર વાપસી કરી ચૂકી છે. આરસીબીને હાર આપી તે પોતાનું મનોબળ વધુ મજબૂત કરવા માગશે. ટીમમાં સૂર્યકુમારની વાપસી થઈ ચૂકી છે. જો કે તે દિલ્હી સામે ઝીરોમાં આઉટ થયો હતો. બેંગ્લુરુ સામેના મેચમાં તેના બેટમાંથી 360 ડિગ્રી બેટિંગ જોવા મળી શકે છે. ટીમની મુખ્ય સફળતાની ચાવી બુમરાહ પાસે છે. અન્ય ખેલાડીઓને સાથ આપવો પડશે. ખાસ કરીને રોહિત અને ઇશાન પાસેથી આક્રમક શરૂઆતની અને સૂર્ય-તિલક અને ડેવિડ પાસેથી પાવર હિટિંગની આશા રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક