• રવિવાર, 01 માર્ચ, 2026

દક્ષિણ આફ્રિકાની ઝિમ્બાબ્વે સામે ટક્કર

ઝિમ્બાબ્વે ફરી એક વખત ઉલટફેર બતાવવા કરશે પ્રયાસ: દ.આફ્રિકા સેમિફાઈનલ પહેલા ફરી બતાવશે દમ

નવી દિલ્હી, તા. 28 : ટી20 વિશ્વકપમાં રવિવારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની છે. ઝિમ્બાબ્વેની ટીમ દ્વારા વર્તમાન ટૂર્નામેન્ટમાં નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બોલિંગથી લઈને બેટિંગ અને ફિલ્ડિંગમાં એક ક્લાસ બતાવવામાં આવ્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ આ વખતે વિશ્વકપમાં સૌથી મજબૂત ટીમ બનીને ઉભરી છે. તમામ ક્ષેત્રમાં દક્ષિણ આફ્રિકા દ્વારા નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેના પરિણામે સતત બીજા વિશ્વકપમાં સેમિફાઈનલમાં એન્ટ્રી નિશ્ચિત કરી લીધી છે.

દક્ષિણ આફ્રિકાની સફળતામાં માત્ર બેટ્સમેન જ નહીં, બોલરોનું પણ મહત્ત્વનું યોગદાન છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં વર્તમાન સમયે અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું સંતુલન છે. એક તરફ ડેવિડ મિલરે એક મેચમાં જીત અપાવી હતી જ્યારે કેપ્ટન એડન માર્કરમે બીજા મુકાબલામાં શાનદાર નેતૃત્વ કર્યું હતું. બોલિંગમાં માર્કો યાનસેન અને લુંગી એનગીડીએ પણ જરૂરીયાતના સમયે વિકેટ લઈને ટીમને મજબૂતી આપી છે.

બીજી તરફ ઝિમ્બાબ્વે શરૂઆતી બે મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે. તેમ છતા દક્ષિણ આફ્રિકા સામે ફરી એક વખત ટક્કર જોવા મળશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના મેચમાં ભારતે મોટો સ્કોર કર્યો હતો અને ઝિમ્બાબ્વેની હાર નિશ્ચિત હતી. તેમ છતા ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ સંઘર્ષનો પ્રયાસ કર્યો હતો અને 184 રન કરી લીધા હતા. બ્રેયાન બેનેટે ભારત સામે નોટઆઉટ 97 રન કર્યા હતા. જેમાં તેણે કોઈપણ બોલરને પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત સિકંદર રજાએ પણ ફરી એક વખત ઉપયોગી ઈનિંગ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક