160 રનનો વિજય લક્ષ્યાંક આખરી ઓવરમાં પાર પાડયો: જેકસ-રેહાન વચ્ચે સાતમી વિકેટમાં 16 દડામાં 40 રનની ભાગીદારીથી કિવિઝના હાથમાંથી વિજય સરકી ગયો
કોલંબો
તા.27: ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના ગ્રુપ-બેના આજના નિર્ણાયક મેચમાં રસાકસી પછી
ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ઇંગ્લેન્ડનો 4 વિકેટે રોમાંચક વિજય થયો હતો. આથી પાકિસ્તાનની સેમિ
ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. આ માટે પાકિસ્તાને શનિવારના મેચમાં શ્રીલંકાને
મોટા માર્જિનથી હાર આપવી પડશે. ઇંગ્લેન્ડ ટીમ ગ્રુપ-બેમાં અપરાજિત રહી 6 પોઇન્ટ સાથે
સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. ન્યુઝીલેન્ડ ટીમ 3 પોઇન્ટ પર અટકી ગઇ છે. તેનો નેટ રેન રેટ
1.390 છે. પાક.ના હાલ 1 પોઇન્ટ છે અને તેનો નેટ રન રેટ માઇનસ 0.461 છે. તે શ્રીલંકા
સામે જીત મેળવશે તો તેના પણ 3 પોઇન્ટ થઇ જશે. આથી પાક.-કિવિઝમાંથી જેનો નેટ રન સારો
હશે તે સેમિમાં પહોંચશે. પાક.ની જો શ્રીલંકા સામે હાર થશે તો કિવિઝનો સેમિમાં સીધો
પ્રવેશ મળી જશે.
આજના
મેચમાં 160 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે 117 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી
હતી. આ પછી વિલ જેકસ અને રેહાન અહમદ વચ્ચે સાતમી વિકેટમાં 16 દડામાં 40 રનની ભાગીદારી
થઇ હતી. આથી કિવિઝના હાથમાંથી જીત સરકી ગઇ હતી. જેકસના 28 દડામાં 32 અને રેહાનના 7
દડામાં 19 રન થયા હતા. બન્ને અણનમ રહ્યા હતા. આ બન્નેએ 18મી ઓવરમાં 22 અને 19મી ઓવરમાં
16 રન ઝૂડીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. ટોમ બેટનના 33 અને કપ્તાન બ્રુકના 26, સેમ
કરનના 24 રન રન થયા હતા. કિવિઝ તરફથી રચિનને 3 વિકેટ મળી હતી.
અગાઉ
ટોસ જીતી કોલંબોની સ્લો પિચ પર ન્યુઝીલેન્ડે બેટિંગ પસંદ કરીને 20 ઓવરમાં 7 વિકેટે
1પ9 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર ટિમ સિફર્ટના 3પ અને ફિન એલેનના 29 રન
કરી કિવિઝની સારી શરૂઆત આપી હતી. તેમના વચ્ચે પહેલી વિકેટમાં 42 દડામાં 64 રનની ભાગીદારી
થઇ હતી. જો કે આ પછી ઇંગ્લેન્ડના સ્પિનર્સ કિવિઝ બેટર્સ પર હાવી થયા હતા. સમયાંતરે
ખરતી વિકેટ વચ્ચે ગ્લેન ફિલિપે 28 દડામાં 4 ચોક્કા અને 1 છક્કાથી 39 રનનું સર્વાધિક
યોગદાન આપ્યું હતું. માર્ક ચેપમેન 1પ અને કોલે મેકોન્ચી 14 રન કરી આઉટ થયા હતા. કેપ્ટન
મિચેલ સેંટનરે ઈનિંગના આખરી દડે સિકસ ફટકારી હતી. તે 9 રને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ
તરફથી સ્પિન ત્રિપુટી આદિલ રશીદ, વિલ જેકસ અને રેહાન અહમદને 2-2 વિકેટ મળી હતી. ચોથા
સ્પિનર લિયામ ડોસનને 1 વિકેટ મળી હતી.