• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

‘સર’ પર સુપ્રીમનું આકરું વલણ

બંગાળ મામલે સુનાવણી કરતાં અદાલતે કહ્યું : ચૂંટણીપંચ, રાજ્ય સરકાર આદેશ ભંગ ન કરી શકે

નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે બંગાળમાં મતદારયાદી સુધારણા (સર) મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમે આકરાં વલણ સાથે કહ્યું હતું કે, ચૂંટણીપંચ તેમજ રાજ્ય સરકાર કોઇ પણ અમારા આદેશોનું ઉલ્લંઘન નહીં કરે. અમે સ્પષ્ટ કરી દીધું છે કે, કયા દસ્તાવેજોની તપાસ કરવાની છે. અમારા આદેશ બિલકુલ સ્પષ્ટ છે તેવું અદાલતે જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આવી વાત કરી હતી. બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ચૂંટણીપંચે પીઠ પાછળ ન્યાયિક અધિકારીઓને નિર્દેશ જારી કર્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આ પ્રક્રિયામાં તૈનાત ન્યાયિક અધિકારીઓ જ ફેંસલા લઇ શકે છે. અમે અમારા ન્યાયિક અધિકારીઓને જાણીએ છીએ અને તેઓ કોઇ પણ ચીજથી પ્રભાવિત નથી થઇ શકતા, તેવું તેમણે કહ્યું હતું. ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી બોલ્યા હતા કે, ચૂંટણીપંચ કે રાજ્ય સરકાર આ મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશોથી આગળ જઇ શકશે નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક