નવી દિલ્હી, તા.28: ઈરાનમાં મોટા સૈન્ય અભિયાનનાં આરંભ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સેનાને આત્મસમર્પણ કરી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, હથિયાર નીચે મૂકવામાં નહીં આવે તો હવે મોત નિશ્ચિત છે. બીજીબાજુ ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ પણ આ કાર્યવાહી વિશે કહ્યું હતું કે, અમેરિકા સાથે મળીને કરવામાં આવેલા આ હુમલા ઈરાનથી પેદા થયેલા અસ્તિત્વનાં ખતરાને ખતમ કરવા માટેની કાર્યવાહી છે જ્યારે ઈરાની સંસદનાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનાં ચેરમેને પણ અમેરિકા અને ઈઝરાયલને જવાબી ધમકી આપતા કહ્યું હતું કે, આ યુદ્ધ તમે છેડી દીધું છે અને હવે તેનો અંત અમે લાવીશું. ઈરાને કહ્યું છે કે, હવે જવાબી હુમલામાં ઈઝરાયલને કચડી નાખવામાં આવશે.
ટ્રમ્પે
ઈરાન ઉપર હુમલા પછી પહેલું નિવેદન કરતાં કહ્યું હતું કે, ઈરાન ક્યારેય પણ અણુ બોમ્બ
બનાવી શકશે નહીં. ઈરાન લાંબા અંતરની મિસાઈલ વિકસાવી રહ્યું હતું. જેનાથી અમેરિકાને
ખતરો છે. અન્ય દેશો પણ ખતરામાં છે. અમેરિકી સેના ઈરાન ઉપર ભીષણ આક્રમણ કરી રહી છે.
ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, છેલ્લા 47 વર્ષથી ઈરાની સરકાર અમેરિકાનાં મોત માટે નારાબાજી
કરી રહી છે. ઈરાની સરકારે અનેક દેશોમાં અમેરિકી સેના અને નિર્દેષ નાગરિકોને નિશાન બનાવતા
હુમલા પણ કરાવ્યા છે.
ટ્રમ્પે
આગળ કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહીનો ઉદ્દેશ ઈરાનની મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવાનો
અને તેની નૌસેનાને ખતમ કરવાનો છે. જો ઈરાન પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ ચાલુ રાખે તો
તેનાં ઉપર સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણીઓ છતાં તેનાંમાં કોઈ સુધારો ન આવતાં
આ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે, આ નિવેદન જરાય હળવાશમાં નથી. ઈરાની
શાસન લોકોનાં જીવ લેવા માગે છે. ટ્રમ્પે ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સનાં સદસ્યોને
સીધું સંબોધન કરીને હથિયાર છોડી દેવાની ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે, જે સૈનિક
આત્મસમર્પણ કરશે તેને માફ કરી દેવામાં આવશે. જો આવું નહીં કરવામાં આવે તો મોત નિશ્ચિત
છે.
બીજીબાજુ નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ઈરાનની ખૂની આતંકવાદી સરકારને પરમાણુ શત્ર હાથ કરવાની છૂટ આપી શકાય નહીં કારણ કે આનાથી તે આખી માનવતાને ખતરામાં નાખી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે અમે અમેરિકાની સાથે રહીશું, સાથે લડીશું અને સાથે મળીને ઈઝરાયલની રક્ષા કરીશું