• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

પોરબંદરમાં રૂ. 1.82 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે શખસ ઝડપાયો

            બીલખાનો શખસ ઉલટી વહેંચવા આવ્યો હતો, ગ્રાહક ન મળ્યા પણ પોલીસનો ભેટો થઇ ગયો

પોરબંદર, તા.27  : પોરબંદરમાં પ્રથમ વાર એસ.ઓ.જી.ની ટીમે 1.82 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બીલખાના શખસને દબોચી લીધો હતી. પોરબંદરમાં આ શખસ ઉલ્તીનું વેચાણ કરવા આવ્યો હતો પરંતુ તેને કોઈ ગ્રાહક મળ્યા ન હોવાનું સામે આવ્યું છે. શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

પોરબંદર એસ.ઓ.જી.ના પી.આઈ. વાય.જી. માથુકિયા, પી.એસ.આઈ. આર.એ.ઝાલાએ દરિયાઈ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રાલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન એ.એસ.આઈ. રવિન્દ્ર ચાઉં, હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણિયા, અરજન ઓડેદરાને મળેલી બાતમીના આધારે નરસંગ ટેકરી હાઈ-વે પરથી બીલખાના નાગરેચા વાડી, રેલવે ફાટક પાસે રહેતા મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવીણભાઈ સોલંકી (ઉં.23)ને રૂ.1.82,90,000ની કિંમતની 1.829 કિ.ગ્રા. વ્હેલ માછલીની ઉલટી (એબરગ્રીસ) સાથે ઝડપી લીધો હતો. આ શખસ બીલખાથી અહીં વેચાણ માટે લાવ્યો હોવાનું ખુલ્યું છે. 

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબલ્યું હતું કે, વિદેશની અનેક કંપનીઓ ખુબ જ મોંઘા પરફ્યુમ બનાવવા માટે વ્હેલ માછલીની ઉલટીનો ઉપયોગ કરે છે અને તેની એક નાની બોટલની કિંમત લાખો રૂપિયા થતી હોય છે. ઉપરાંત કેટલીક દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ઉલટીના ખરીદદાર પોરબંદરમાં મળે તેવી આશા સાથે આવ્યો હતો પરંતુ તે પોલીસને હાથ ઝડપાઈ ગયો હતો. 

ઉલટી એટલે ઘટ્ટ પ્રવાહી નહીં પરંતુ મીણના ટુકડા જેવો પદાર્થ! 

સામાન્ય રીતે ઉલટી શબ્દ સાંભળીયે એટલે ગંદુ પ્રવાહી નજરે પડે છે પરંતુ વ્હેલ માછલીની ઉલટી ઘટ્ટ પ્રવાહી નહીં પરંતુ મીણના ટુકડા જેવી હોય છે. તે સ્પર્મ વ્હેલની પાચનક્રિયા દરમિયાન તેના આંતરડામાં બન્ને છે અને ચોક્કસ સમયે તે સમુદ્રમાં છોડે છે અને પાણીમાં તરતી જોવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક