મંગળવારે દોલોત્સવની ઉજવણીમાં ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી
દ્વારકા,
તા.28 : દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર
સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં
હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ
ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહ્યો છે. ભાવિકોને દ્વારકાધીશજીના
દૈદિપ્યમાન શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નિહાળી ભાવિકોને ભાવવિભોર થાય છે. મંદિર
પરિસરમાં રાસ-ગરબા અને કૃષ્ણધૂન પર ભાવિકો તન્મય થતા જોવા મળી રહ્યા છે. જગતમંદિરના પૂજારી પ્રણવ ઠાકરના જણાવ્યાનુસાર
દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવાય
છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોવાથી તા.3 માર્ચે પૂર્ણિમાના
રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ દોલોત્સવની ઉજવણી કરવામાં
આવશે. બપોરે 1:4પ કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળિયા, ખજૂર, સૂકોમેવો,
પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી
દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ
કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે
કેસુડા-કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. બાદ દ્વારકાધીશજીના
શ્રીઅંગ પર પધરાવવામાં આવેલા અબીલ-ગુલાલની છોળો ભક્તો ઉપર પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે.
બપોરે ર કલાકે ઠાકોરજીના રાજાધિરાજ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ પર શંખ, ચક્ર,
ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફેદ વત્રો સાથેનો ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન
ખૂલ્લા મૂકાશે. ઉત્સવ આરતી બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે રથી 3 કલાક સુધી ભાવિકો
વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ-ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઉજવાશે. આ ઉપરાંત દેશ
વિદેશમાં લાખો શ્રદ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.