• રવિવાર, 01 માર્ચ, 2026

ટ્રમ્પે અસલી રંગ બતાવ્યો : રશિયા

રશિયન સુરક્ષા પરિષદના અધ્યક્ષે કહ્યું, શાંતિ નિર્માતા ટ્રમ્પે ફરી સૈન્ય રસ્તો અપનાવ્યો

મોસ્કો, તા. 28 : અમેરિકા અને ઈઝરાયલના ઈરાન ઉપર સંયુક્ત  સૈન્ય હુમલા બાદ વૈશ્વિક રાજનીતિમાં તંગદિલી ફેલાઈ છે. રાજધાની તેહરાનમાં વિસ્ફોટ અને પૂરા ઈરાનમાં હુમલાના અહેવાલ વચ્ચે રશિયાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે, ટ્રમ્પે ફરી એક વખત પોતાનો અસલી રંગ બતાવી દીધો છે.

રશિયાના મેદવેદેવે કટાક્ષ કરતા કહ્યું હતું કે પોતે શાંતિના નિર્માતા ગણાવતા ટ્રમ્પે ફરીથી સેનાનો રસ્તો અપનાવ્યો છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન ઉપર મોટું અભિયાન શરૂ કર્યું છે. શરૂઆતી માહિતીમાં ઈરાની સર્વોચ્ચ નેતા ખામેનેઈના કાર્યાલયને પણ નિશાન બનાવાયું હોવાનું સામે આવ્યું છે. રશિયાએ આ પૂરા અભિયાનને ખતરનાક અને અસ્થિર કરતું ગણાવ્યું હતું. મેદવેદેવનું નિવેદન એક રીતે ચેતવણીનાં રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાને પાટલી બદલી ! અમેરિકાનાં આક્રમણની નિંદા

નવીદિલ્હી,તા.28: મધ્યપૂર્વમાં યુદ્ધ છેડાતા સાથે જ અમેરિકાનાં ખોળે બેસી ગયેલાં પાકિસ્તાને રંગ બદલી નાખ્યો છે. આ હુમલા બાદ વિશ્વભરના દેશોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. પાકિસ્તાનએ આ હુમલાઓને અકારણના ગણાવતા કડક નિંદા કરી છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે મિત્રતા ઘણી વધી ગઈ હતી. પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાજ શરીફથી લઈને સેના પ્રમુખ આસિમ મુનીર સુધી વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ ચુક્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંનેના વખાણ પણ કર્યા હતાં. જો કે અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાન ઉપર ત્રાટકતા સાથે જ હંમેશની માફક પાકિસ્તાને પાટલી બદલી નાખી છે અને પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ઇરાનના વિદેશમંત્રીને ફોન કરીને જણાવ્યું કે તેઓ આ અકારણ હુમલાઓની કડક નિંદા કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક