• રવિવાર, 01 માર્ચ, 2026

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનો પાર્ષદ દારૂ સાથે પીધેલો પકડાયો

ધોરાજી, તા.28 : ધોરાજી તાલુકાના પાટણવાવની પોલીસ પેટ્રાલિંગમાં હતી ત્યારે સર્પાકારે પસાર થતી કારને નાની મારડ પાસે રોકીને તલાશી લેતાં ચાલક નશામાં હોવાનું અને તેની પાસેથી એક ખાલી બોટલ તેમજ દારૂની એક ભરેલી બોટલ નીકળી હતી.ચાલકની પૂછપરછ કરતાં તે ખેડાના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનો પાર્ષદ હોવાનું અને મૂળ ગિર સોમનાથના ઉના તાલુકાના નાના સમઢિયાળાનો રહીશ હોવાની કબૂલાત આપી હતી.જેના આધારે પાટણવાવ પોલીસે આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર અને મોબાઇલ તેમજ દારૂ મળીને કુલ 45,673નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઘટનાની મળતી વિગતો મુજબ પાટણવાવ પોલીસ સ્ટેશનના લોકરક્ષક મહિપતાસિંહ ગોહિલ સહિતની ટીમ ગત રાતે નાની મારડ ગામ આસપાસ પેટ્રાલિંગમાં હતી એ દરમિયાન એક કાર સર્પાકારે પસાર થઇ હતી, આથી તેને રોકાવીને તલાશી લેતાં ચાલક નશામાં ચૂર હોવાનું ખુલ્યું હતું.તેની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ મયુરભગત ગરુસ્વામી ધર્મપ્રસાદજી પાર્ષદ પરેશભાઇ ત્રિવેદી (ઉ.વ.39) હોવાનું અને પોતે ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં રહેતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે કારમાંથી દારૂની એક ખાલી બોટલ અને એક આખી સીલપેક ભરેલી બોટલ કબજે લીધી હતી.આ ઉપરાંત આરોપી પાસેથી કાર કે જેની કિંમત 2,00,000 તેમજ એક આઇફોન સહિત બે ફોન કે જેની કિંમત 45,000 છે તે કબજે લેવામાં આવ્યા હતા. જો કે આરોપી ક્યાંથી આવતો હતો અને આ બોટલ તેણે ક્યાંથી મેળવી હતી, એ સહિતની વિગતોની તપાસ ચાલી રહી હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક