ફ્રેન્ડલી મેચમાં ભારતે 32 રન બનાવ્યા જેના જવાબમાં જાપાન માત્ર 30 બનાવી શક્યું, બેટ્સમેનોનો ફ્લોપ શો
નવી
દિલ્હી, તા.22 : વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલા માત્ર 5 ઓવરના અત્યંત રોમાંચક ટી20 મુકાબલામાં
ભારતે જાપાનને 2 રનથી હરાવીને મોટા ઉલટફેરનો શિકાર થતાં પોતાને બચાવી લીધું હતું. ભારતીય
બાટિંગ લાઇન-અપે આ મેચમાં અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને 5 ઓવરમાં ટીમ
માત્ર 32 રન જ નોંધાવી શકી હતી. જોકે, બોલરોના શાનદાર અને ચુસ્ત પ્રદર્શને જાપાનને
આ મામૂલી લક્ષ્યાંક સુધી પહોંચવા દીધું ન હતું.
ભારતે
ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે મેચ નિર્ધારિત સમય
કરતાં કલાકો મોડી શરૂ થઈ હતી, પરિણામે બંને ઇનિંગ્સને ઘટાડીને 5-5 ઓવરની કરી દેવામાં
આવી હતી. પ્રથમ ઓવરમાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં ઓપનર અભિષેક શર્મા પહેલા
જ બોલે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન
પણ 7 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલા ઈશાન કિશને 6 બોલમાં
3 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. કપ્તાન શ્રેયસ અય્યરે 12 બોલમાં સર્વાધિક 16 રનનું
યોગદાન આપતા ટીમનો સ્કોર 5 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 32 રન સુધી પહોંચાડયો હતો.
જાપાન તરફથી ચાર્લી હારાએ 2 વિકેટ ઝડપી હતી.
આમ
તો 33 રનનો લક્ષ્યાંક જાપાન માટે મુશ્કેલ ન હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય
બાલિંગ આક્રમણનો સામનો કરવો તેમના માટે મોટો પડકાર બની ગયો. જાપાનની શરૂઆત પણ ડગમગતી
રહી હતી. લચલન 4 બોલમાં 1 રન બનાવીને રનઆઉટ થયો હતો, જ્યારે ઇબ્રાહિમ 3 બોલમાં 4 રન
બનાવીને ચાલતો પકડાયો હતો. ત્યારબાદ કેન્ડેલ અને બેન્જામિને બાજી સંભાળવાનો પ્રયાસ
કર્યો હતો અને એક સમયે જાપાન ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો
હતો. જોકે, વાશિંગ્ટન સુંદરે કેન્ડેલને યશ ઠાકુરના હાથમાં કેચ આઉટ કરાવીને મેચ પર ભારતની
પકડ મજબૂત કરી હતી. સુંદરે પોતાની બાલિંગ સ્પેલમાં કુલ 2 વિકેટ ઝડપી હતી અને જાપાનની
ટીમ 5 ઓવરમાં માત્ર 30 રન જ બનાવી શકી હતી.
આખા
મેચમાં એક પણ સિક્સર નહીં!
આ મેચની
સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે 10 ઓવરની આ આખી મેચમાં એક પણ સિક્સર જોવા મળી ન હતી.
ભારતીય ટીમમાં અભિષેક શર્માથી લઈને વાશિંગ્ટન સુંદર જેવા ચડિયાતા પાવર-હિટર્સ હોવા
છતાં, કોઈ ખેલાડી બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી શક્યો ન હતો. જાપાનની ટીમ પણ સિક્સર
ફટકારવામાં નિષ્ફળ રહી હતી. આખી મેચમાં ભારત અને જાપાન બંને ટીમો માત્ર 2-2 ચોગ્ગા
જ ફટકારી શકી હતી.
ભારતનો
રેકોર્ડ : T-20
ઇન્ટરનેશનલમાં
200
જીત નોંધાવનારી સૌપ્રથમ ટીમ
ભારતીય
ક્રિકેટ ટીમે T-20
ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ઇતિહાસ રચ્યો છે. જાપાનને 2 રને પરાજય આપીને ભારત ઝ-20 આંતરરાષ્ટ્રીય
ક્રિકેટના ઇતિહાસમાં 200 મેચ જીતનારી વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ટીમ બની ગઈ છે. આ
ઐતિહાસિક બેવડી સદીના આંકડામાં ભારતે સુપર ઓવરમાં મેળવેલા રોમાંચક વિજયોનો પણ સમાવેશ
થાય છે.
દર્શકોનું
મનોરંજન જ અમારું મુખ્ય લક્ષ્ય હતું : શ્રેયસ અય્યર
જાપાન
સામે માંડ-માંડ મેળવેલા વિજય બાદ ભારતીય ટીમના યુવા કપ્તાન શ્રેયસ અય્યરે રાહતનો શ્વાસ
લીધો હતો અને મેચની પ્રતિકૂળ પરિસ્થિતિઓ અંગે ખુલીને વાત કરી હતી. અય્યરે પત્રકારો
સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા મગજમાં માત્ર એક જ સ્પષ્ટ વાત હતી - અમે કોઈપણ
ભોગે રમવા માંગતા હતા અને અમને ટેકો આપવા માટે આવેલા તમામ દર્શકોનું મનોરંજન કરવા માંગતા
હતા. અય્યરે વધુમાં ઉમેર્યું કે, જાપાનીઝ તેમજ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોવું ખરેખર
રોમાંચક હતું. એકંદરે, આ રસાકસીવાળો મેચ રહ્યો.