• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

SC-ST કાયદાની ફરી વિચારણાનું કોઈ કારણ નથી : સુપ્રીમ

કાયદાની જોગવાઈને પડકારતી અરજી પર સુનાવણીનો કોર્ટનો ઈન્કાર : કહ્યું, આરોપીને બચાવવાની જોગવાઈ પણ મોજૂદ

નવી દિલ્હી, તા. 22 : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈને પડકારતી અરજીની સુનાવણી હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. અરજદાર દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે એક વર્ગને ઉત્પીડનમાંથી બચાવવા માટે લાવવામાં આવેલો આ કાયદો બીજા વર્ગના ઉત્પીડનનું કારણ બની રહ્યો છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે, આરોપીને ઉત્પીડનથી બચાવવા માટે કાયદામાં પર્યાપ્ત ઉપાયો છે.

અરજદાર બ્રજભૂષણ સૈનીના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, કોઈ જ પ્રાથમિક તપાસ વિના એફઆઈઆર નોંધવા અને આરોપીની ધરપકડ કરવાની વ્યવસ્થા યોગ્ય નથી. આવું થવાથી કાયદાના દુરૂપયોગની શંકા રહે છે. આ કાયદાની કલમ-18 હેઠળ આરોપીને આગોતરા જામીનથી પણ રોક લગાવવામાં આવી છે.

વકીલે ફરિયાદીને કેસના આરંભે જ વળતર દેવાની જોગવાઈ પર પણ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં અપાયેલી જાણકારી મુજબ ફરિયાદીઓને સરકાર તરફથી 493 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પ્રકારની વ્યવસ્થા બનાવટી ફરિયાદોને ઉત્તેજન આપે છે. આ તબક્કે બેન્ચના સભ્ય જસ્ટિસ જોય માલ્યા બાગચીએ તેમને બોલતાં અટકાવી તેમની દલીલોને ‘ક્રૂર’ ગણાવી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને વી.મોહનાની બેન્ચે મામલા પર સુનાવણીનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે, 2020માં સુપ્રીમ કોર્ટે કાયદાને યોગ્ય ગણાવ્યો હતો. માત્ર છ વર્ષ બાદ તે ચુકાદાની સમીક્ષાનું કોઈ કારણ જણાતું નથી.

 

લાખો લોકો પરેશાન : દિલ્હી ‘સર’ પર સુપ્રીમ

ચૂંટણી પંચનો જવાબ માગતાં કહ્યું, એવું લાગે છે કે નોટિસો મશીને બહાર પાડી

નવી દિલ્હી, તા. 19 :   સુપ્રીમ કોર્ટે દિલ્હીની મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) પ્રક્રિયા દરમિયાન મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે યોગ્ય કારણો વિના જારી કરાયેલી ‘તાર્કિક વિસંગતતા’ અંગેની નોટિસ પર સવાલ ઉઠાવ્યા હતા અને નોંધ્યું હતું કે આવી મોટી સંખ્યામાં નોટિસ જાણે મશીન દ્વારા જનરેટ કરવામાં આવી હોય તેવું જણાય છે.

આરટીઆઈ કાર્યકર અંજલિ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને ‘તાર્કિક વિસંગતતા’ એટલે શું તે અંગે સ્પષ્ટ ખુલાસો આપવાનો નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્ત્વ હેઠળની બેન્ચે પંચને એ પણ પૂછ્યું હતું કે અંદાજે 33 લાખ નોટિસના સંચાલન માટે કેટલા બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટે પંચને તેનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો.

અરજદાર વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે 33 લાખથી વધુ મતદારોને નજીવા અથવા અસ્પષ્ટ કારણોસર નોટિસ મોકલવામાં આવી હતી. એક ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે કેટલીક નોટિસમાં વાંધાના આધાર તરીકે મતદાર અને તેમના માતા-પિતા વચ્ચે 15 વર્ષથી ઓછો વય-તફાવત હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, પંચ દ્વારા માંગવામાં આવેલા 12 દસ્તાવેજોમાં માતા-પિતાની ઉંમર અંગેની માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં, મતદાર આ વાંધાનો જવાબ કેવી રીતે આપી શકે?

ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પર અંદાજે 14,000 બીએલઓ અને 1,200 ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (ઈઆરઓ) સતત કામ કરી રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક