• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

સાબુથી ટૂથપેસ્ટ સુધીનાં પેકેટ પર દેખાશે વેજ-નોનવેજનાં નિશાન સરકારે લાગુ કર્યા નિયમ : માત્ર ખાદ્યચીજો પૂરતાં મર્યાદિત નહીં રહે નિયમ

નવીદિલ્હી, તા.22 : સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને કોસ્મેટિક્સ ખરીદતી વખતે હવે ગ્રાહકો માટે ઉત્પાદન શાકાહારી છે કે, માંસાહારી એ ઓળખવું સરળ બનશે. સરકારે પેકેજ્ડ કોસ્મેટિક્સ અને અન્ય સંબંધિત ઉત્પાદનોનાં લેબાલિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 21 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવ્યા છે.

નવા નિયમો હેઠળ પ્રોડક્ટના પેકાજિંગ પર વેજ અને નોન-વેજ મૂળની ઓળખ માટે અલગ રંગના નિશાન આપવામાં આવશે. લીલી બિંદી પ્રોડક્ટ શાકાહારી દર્શાવશે અને લાલ અથવા ભૂરા રંગની બિંદી પ્રોડક્ટમાં ઇંડાં અથવા માંસનો ઉપયોગ થયો હોવાનું સૂચવશે. આ નિશાન પેકેટના મુખ્ય ડિસ્પ્લે પેનલના સૌથી ઉપરના ભાગમાં મૂકવાનું રહેશે, જેથી ગ્રાહકો તેને સરળતાથી જોઈ શકે.

આ ફેરફાર માત્ર ખાદ્ય વસ્તુઓ પૂરતો મર્યાદિત નથી. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને કોસ્મેટિક્સ જેવા રાજિંદા ઉપયોગના ઉત્પાદનોના પેકાજિંગ પર પણ વેજ-નોનવેજનું નિશાન જોવા મળશે. એટલે કે, પ્રોડક્ટ ખરીદતા પહેલાં ગ્રાહકો પેકેટ પરના નિશાન દ્વારા તેના મૂળ વિશે માહિતી મેળવી શકશે. નવા રંગ આધારિત નિશાનથી પેકેટ જોતાં જ પ્રોડક્ટ શાકાહારી મૂળનું છે કે નહીં તે સમજવું સરળ બનશે. ખાસ કરીને પોતાની વ્યક્તિગત અથવા ધાર્મિક માન્યતાઓને કારણે નોન-વેજ સામગ્રી ધરાવતા ઉત્પાદનો ટાળવા માગતા ગ્રાહકો માટે આ માહિતી ઉપયોગી બની શકે છે. આ નિશાન સુરક્ષા કે અસરકારકતાનું પ્રમાણપત્ર નથી. તે માત્ર પ્રોડક્ટ શાકાહારી છે કે નોન-વેજ તે દર્શાવે છે.

આ ફેરફાર લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રુલ્સમાં કરવામાં આવેલા સુધારા હેઠળ થયો છે. તેનો હેતુ પેકાજિંગ પર આપવામાં આવતી માહિતી ગ્રાહકો માટે વધુ સ્પષ્ટ અને સરળ બનાવવાનો છે. જોકે, એલર્જી, ત્વચાની જરૂરિયાતો અથવા કોઈ ચોક્કસ સામગ્રીથી બચવા માટે ગ્રાહકોએ હજુ પણ સામગ્રી અને અન્ય જરૂરી લેબલ ધ્યાનથી વાંચવા જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક